
નવીદિલ્હી,
ફૂટબોલપ્રેમીઓ જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ફિફા વર્લ્ડકપ-૨૦૨૨નો આવતીકાલથી ક્તારમાં ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ ભારત સહિત આખી દુનિયામાં ’ફીફાફિવર’ છવાઈ જશે અને ૨૯ દિવસ સુધી રમતપ્રેમીઓને ૩૨ ટીમો વચ્ચે એક એકથી ચડિયાતા ૬૪ જેટલા મુકાબલા જોવા મળશે.
કાલે રાત્રે ૯:૩૦ વાગ્યાથી યજમાન ક્તાર-ઈક્વાન્ડોર વચ્ચેની મેચથી ટૂર્નામેન્ટનો સત્તાવાર પ્રારંભ થશે. જો કે તેના પહેલાં સાંજે ૭:૩૦ વાગ્યાથી ૬૦,૦૦૦ જેટલા દર્શકોની ઉપસ્થિતિમાં ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં દુનિયાના ટોચના કલાકારો શીરક્ત કરશે.
આ વખતના વર્લ્ડકપમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝીલ, બે વખતની વિજેતા આર્જેન્ટીના, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સને વિશ્ર્વકપનું પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે. એવી પણ સંભાવના છે કે આ વખતે કોઈ ટીમ મોટો ઉલટફેર કરીને સૌને ચોંકાવતાં ચેમ્પિયન બની જાય !
બ્રાઝીલને ૨૦ વર્ષથી ટ્રોફીનો ઈન્તેજાર છે. કોચ ટીટેને આ વખતે ટીમ તરફથી વધુ આશા છે. ટીમ ૨૪ નવેમ્બરે ગ્રુપ-જીમાં સબયા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. બ્રાઝીલે-૨૦૦૨માં છેલ્લે ટ્રોફી જીતી હતી. ત્યારપછી ક્યારેય ફાઈનલ સુધી પણ પહોંચી શક્યું નથી. વિશ્વ કપ ના ૯૨ વર્ષના ઈતિહાસમાં કોઈ આફ્રિકી ટીમ ટોપ-૪માં પહોંચી શકી નથી. કેમરુન (૧૯૯૦), સેનેગલ (૨૦૦૨) અને ઘાના (૨૦૧૦) અંતિમ-૮માં પહોંચી હતી. સેનેગલ ગ્રુપ સ્ટેજમાં અજેય રહીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી એકમાત્ર આફ્રિકી ટીમ છે. આ વખતે સેનેગલ, કેમરુન, ઘાના, ટયુનીશિયા અને મોરક્કો ચમત્કારીક પ્રદર્શન કરે તેવી સંભાવના છે.
એશિયાની શ્રેષ્ઠ પાંચ ટીમો પાસે પણ ઉલટફેર કરવાની તક રહેશે. વિશ્વ કપ એશિયામાં રમાઈ રહ્યો છે આવામાં આ ટીમોને તેનો બહોળો ફાયદો મળી શકે છે. ઈરાન, જાપાન, સઉદી અરબ અને દક્ષિણ કોરિયા ’જાયન્ટ કિલર’ સાબિત થઈ શકે છે. પહેલીવાર રમી રહેલું મેજબાન ક્તાર પણ ઘરેલું દર્શકો વચ્ચે કમાલ બતાવી શકે છે.
આ વખતના વર્લ્ડકપમાં ત્રણ મહિલા રેફરી મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ રેફરીમાં જાપાનની યોશિમી યામાશિતા, ફ્રાન્સની સ્ટેફની ફ્રેવાર્ટ અને રવાન્ડાની સલીમા મુકાસંગા છે. ત્રણ સહાયક રેફરી બ્રાઝીલની નુજા બૈક, મેક્સિકોની કરેન ડિયાઝ અને અમેરિકાની કેથરીન નેસ્બીટનો પણ સમાવેશ થાય છે.