મુંંબઇ, હવામાન ખાતાએ મુંબઇગરાંને સાવધાન રહેવા ખાસ સૂચના સાથે સલાહ પણ આપી છે કે આવતીકાલે મુંબઇમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવાં તોફાની કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. આવા કુદરતી ફેરફારને ધ્યાનમાં રાખીને હવામાન ખાતાએ શહેર માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનિલ કાંબળેએ એવી માહિતી આપી હતી કે હાલ અરબી સમુદ્રના પશ્ર્ચિમ મય અને નૈૠત્ય હિસ્સામાં વરસાદી કરન્ટ અત્યંત સક્રિય થયો છે. સાથોસાથ, દક્ષિણ ગુજરાતથી છેક કેરળના સમુદ્ર કિનારા સુધી ઓફ શોર ટ્રફ પણ ફેલાયો છે. ઉપરાંત, દક્ષિણ ગુજરાતના આકાશમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ તીવ્ર અસર છે. આવાં તમામ કુદરતી પરિબળોની ભારે અને વ્યાપક અસરથી આવતા ૨૪ કલાક દરમિયાન મુંબઇમાં લગભગ ૧૦૦ થી ૧૨૦ મિલિમીટર જેટલો અતિ ભારે વરસાદ(ઓરેન્જ એલર્ટ) વરસે તેવી શક્યતા છે. સાથોસાથ, ૬,૭ -જુલાઇ દરમિયાન પણ મુંબઇમાં ભારે વર્ષા (યલો એલર્ટ) થવાની સંભાવના છે.
આવતી કાલે મુંબઇ નજીકનાં થાણેમાં પણ તોફાની વર્ષા(ઓરેન્જ એલર્ટ) થાય જ્યારે ૭,૮ જુલાઇ દરમિયાન ભારે વરસાદ વરસે(યલો એલર્ટ) તેવી આગાહી છે. સાથોસાથ, ૫થી ૮,જુલાઇ દરમિયાન પાલઘરમાં પણ ભારેથી અતિ ભારે વર્ષા (યલો –ઓરેન્જ એલર્ટ) થવાની સંભાવના છે. ૫ થી ૮,જુલાઇ દરમિયાન દક્ષિણ કોંકણનાં રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં પણ મેઘરાજાની પ્રચંડ થપાટ વાગે તેવાં પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. ઉત્તર કોંકણના રાયગઢમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬૦.૨ મિ.મિ.(૬.૪૦ ઇંચ) વર્ષા થઇ હોવાની માહિતી જિલ્લા કલેક્ટર ઓફિસનાં સૂત્રોએ આપી હતી.રાયગઢ જિલ્લાના સુધાગઢમાં ૯૯.૫ મિ.મિ. અને ઉરણમાં ફક્ત ૨૬.૨ મિ.મિ. વર્ષા થઇ હતી.
બીજીબાજુ ૫થી ૮,જુલાઇ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં પણ ગાંડોતૂર વરસાદ વરસે(ઓરેન્જ એલર્ટ) જ્યારે નાશિકમાં ૬,૭, જુલાઇ દરમિયાન મુશળધાર વર્ષા થવાની શક્યતા છે.આજે કોલાબામાં દિવસનું તાપમાન ૨૮.૦ અને રાતનું તાપમાન ૨૫.૨ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન ૨૯.૦ અને રાતનું તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.