ભાદરવા સુદ પૂનમ બુધવારથી છે અને જેની સાથે જ પિતૃઓના શ્રાદ્ધનો પવિત્ર મહાલયા પ્રારંભ થશે. આગામી 17 સપ્ટેમ્બરના ભાદરવા વદ અમાસ છે ત્યારે મહાલયા સમાપ્ત થશે અને 15 દિવસના આ સમયગાળામાં માંગલિક કાર્યોનો નિષેધ રહેશે.
બુધવારે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે એકમના શ્રાદ્ધની તિથિ કરી શકાશે. 3 સપ્ટેમ્બરે ભાદરવા વદ એકમ-4 સપ્ટેમ્બરે ભાદરવા વદ બીજ છે ત્યારે બીજના શ્રાદ્ધની અને 5 સપ્ટેમ્બરના ભાદરવા વદ ત્રીજના ત્રીજાના શ્રાદ્ધની તિથિ છે. 16 સપ્ટેમ્બરે ભાદરવા વદ ચૌદશના અકસ્માત તેમજ અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ છે જ્યારે 17 સપ્ટેમ્બર-ગુરૂવારના સર્વપિતૃ અમાસ છે.
આ અંગે જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘ગરૂડ પુરાણ મુજબ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર એટલે શ્રાદ્ધ પર્વ. શ્રાદ્ધ પર્વમાં સદ્ગતની તિથિએ કરેલા શ્રાદ્ધ અને પિતૃતર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે. તેમના આશિર્વાદના ફળસ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે અને સંપતિ-સંતતિ તેમજ સુખ શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પિતૃઓની તિથિએ અવશ્ય શ્રાદ્ધ કરવું જોઇએ અને શ્રાદ્ધના ભોજનમાં શુદ્ધ સાત્વિક ઘરેલુ વાનગી બનાવવી જોઇએ. તેમાં વિશેષ કરીને દૂધપાક-દૂધની ખીરનું ભોજન અવશ્ય રાખવું. કાગડાઓને કાગવાસ-ચકલાઓને ચણ, ગાય-કૂતરાને ભોજન, બ્રાહ્મણ-ગરીબને ભોજન તેમજ દાન દક્ષિણાથી શ્રાદ્ધ કરવું.’18 સપ્ટેમ્બરથી પુરૂષોત્તમ-અધિક માસનો પ્રારંભ થશે. આ વખતે 17 ઓક્ટોબરથી શારદિય નવરાત્રિ છે.