- જમીનના સ્વાસ્થ્યની તપાસણી થતા જમીન ફળદ્રપુ બની, ખેડૂતોના બિનજરૂરી ખર્ચા ઘટતા રામાભાઇ ડામોરે સરકારનો આભાર વ્યક્ત કર્યો
મહીસાગર, ખેડૂતો મબલખ પાક લઈ શકે તે માટે સરકાર દ્વારા જમીન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મુકી છે. સોઈલ હેલ્થ કાર્ડને એક રીતે જમીનનો એક્સ-રે રિપોર્ટ પણ કહેવાય છે. સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરાયા છે. જેના થકી જમીનનું સ્વાસ્થ્ય જાણવામાં મદદ મળી છે. સાથે ખેડૂતોના બિન જરૂરી ખર્ચા પણ બંધ થયા છે.
આવા જ એક મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાનાં રેલવા ગામના લાભાર્થી રામાભાઇ ડામોર જણાવે છે કે, અમે અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરીએ છીએ સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ખેતીવાડી શાખા દ્વારા મારા ખેતરના ચારેય ખૂણા માંથી માટીનો નમૂનો લેવામાં આવ્યો આ માટીના નમૂનાને ભેગા કરીને ટેસ્ટ કરવામાં આવ્યું. પહેલા સોઈલ હેલ્થ કાર્ડ ન હતા. ત્યારે ખેડૂતોને જમીનના સ્વાસ્થયની જાણ ન હતી. જેથી આડેધડ ખાતર અને પિયતને પગલે જમીનનું સ્વાસ્થ્ય તો બગડતુ જ સાથે ખેડૂતોના નાણાંનો પણ વ્યય થતો હતો. હવે સોઈલ હેલ્થ કાર્ડની મદદથી આગામી સિઝનમાં ખેતીમાં કયો પાક લઈ શકાય તેની માહિતી પણ મળી રહે છે. જે તત્વોની ઉણપ હોય તે પોષકતત્વો બહારથી જમીનમાં નાંખી ફળદ્રુપ બનાવી શકાય છે અને આ યોજના ખેડૂતો માટે ખૂબ લાભદાયી છે, તે માટે આ યોજના સતત ચાલતી રહે જેથી દરેક ખેડૂત પ્રગતિશીલ બની શકે.