આજે આઈપીએલ અંતર્ગત દુબઈના સ્ટેડિયમ પર સાંજે 7:30 વાગ્યાથી વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કે.એલ.રાહુલની કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે કસોકસની ટક્કર જોવા મળવાની છે. બન્ને ટીમની આ બીજી મેચ છે. બેંગ્લોરે ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર હૈદરાબાદને હરાવી ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે પંજાબે દિલ્હી સામે જીતેલી બાજી ગુમાવી દીધી હતી. દિલ્હી સામેના ટાઈ મેચમાં પંજાબ 3 બોલમાં જરૂરી એક રન નહોતો બનાવી શકી અને અમ્પાયરે આપેલા શોર્ટ રન નિર્ણય સામે તેણે ભારે ઉહાપોહ મચાવ્યો હતો. હવે એ વિવાદને ભૂલીને પંજાબ આજે ફરી તેનો પાવર બતાવવા મેદાને ઉતરશે.
પહેલી મેચમાં પંજાબે ક્રિસ ગેઈલને બદલે નિકોલસ પુરનને તક આપી હતી. પૂરન આ મેચમાં સંદર નિષ્ફળ નિવડ્યો હતો ત્યારે આજની મેચમાં ગેઈલને તક મળે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. જો ગેઈલને રમાડવામાં ન આવે તો જીમી નીશમને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે તેવી સંભાવના છે. બીજી બાજુ ગ્લેન મેક્સવેલ, કેપ્ટન રાહુલ, કરુણ નાયરે આજે તેનું મુળ ફોર્મ બતાવવું જ પડશે. આ ઉપરાંત શેલ્ડન કોટ્રેલ અથવા ક્રિસ જોર્ડનના બદલે મુજીબીર રહેમાનને તક અપાઈ શકે છે. જ્યારે બેંગ્લોર તેનું વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાને ઉતરી શકે છે. કદાચ બેંગ્લોર ઉમેશ યાદવના સ્થાને મોહમ્મદ સિરાજને તક આપે તો નવાઈ પામવા જેવું નહીં રહે. બેંગ્લોર વતી એ.બી.ડિવિલિયર્સ વિકેટકિપિંગ કરે તો કદાચ જોશ ફિલીપના સ્થાને મોહમ્મદ અલી કે એડમ ઝેમ્પાને તક અપાઈ શકે છે. હૈદરાબાદ સામેની મેચમાં ડિવિલિયર્સે અર્ધસદી સાથે તેનો ટચ બતાવી દીધો પણ વિરાટ 14 રન જ બનાવી શક્યો હતો તેથી આજે તે હૈદરાબાદ સામેની કસર પૂર્ણ કરવા પૂરો પ્રયાસ કરશે.
પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર મયંક અગ્રવાલ, રવિ બિશ્ર્નોઈ અને દેવદત્ત પડ્ડીકલ પર સૌની નજર રહેવાની છે. પડ્ડીકલ અને બિશ્ર્નોઈએ તેની પહેલી જ મેચમાં સૌનુ ધન ખેંચ્યું હતું. 20 વર્ષીય બિશ્ર્નોઈએ ચાર ઓવરમાં 22 રન આપીને ઋષભ પંતની વિકેટ મેળવી હતી. પડ્ડીકલે 56 રનની અફલાદૂન ઈનિંગ્સ રમીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. મયંક અગ્રવાલે 60 બોલમાં 89 રન સાથે ટીમને અણધાર્યા વિજયના દ્વાર સુધી લઈ ગયો હતો પણ જીત અપાવી શક્યો નહોતો. બીજી બાજુ બેંગ્લોરે જે ખેલાડીને 10 કરોડ રૂપિયામાં ખરીદયો છે તે સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર ક્રિસ મોરીસ ઈજાને કારણે હજુ એકાદ-બે મેચમાં રમી શકશે નહીં. અત્યાર સુધી બન્ને ટીમ વચ્ચે કુલ 24 વખત મુકાબલો થયો છે જેમાં બન્નેએ 12-12 વખત જીત મેળવી છે. જો કે યુએઈમાં પંજાબનું પલડું ભારે રહ્યું છે.