આજે કર્ણાટક વિધાનસભા ચુંટણીના પરિણામ:રાજયમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં વ્યુહ નિશ્ર્ચીત કરવા બેઠકોનો દૌર શરૂ થઇ ગયો

  • કર્ણાટકની આ વખતની ચૂંટણીમાં સટ્ટાબાજોએ ભાજપ પર નહીં પણ કોંગ્રેસ પર પૈસા લગાવ્યા છે.

બેંગલુરૂ, દેશમાં ૨૦૨૩ની અત્યાર સુધીની સૌથી વધુ ઉતેજના જગાવનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આવતીકાલે જાહેર થનારા પરિણામો પુર્વેની જબરી ઉતેજના સર્જાઈ ગઈ છે અને એકઝીટ પોલમાં રાજયમાં ત્રિશંકુ વિધાનસભા ‘ચિત્ર’ સામે આવતા જ હવે રાજયમાં સતા માટેનો કશ્મકશ પણ વધવા લાગ્યા છે. મોટાભાગના એકઝીટ પોલમાં કોંગ્રેસ પક્ષને સૌથી મોટા પક્ષ અને એક બે ઓપીનીયન પોલમાં બહુમતી મેળવતો દર્શાવાયો હતો.

એક ઓપીનીયન પોલમાં ભાજપને સૌથી મોટો પક્ષ દર્શાવાયો અને આ સ્થિતિમાં જનતાદળ (એસ) ફરી એક વખત સતાની સમતુલા નિશ્ર્ચીત કરશે તેમ માનવામાં આવે છે. સરકાર રચવા માટે ભાજપના વ્યુહો તો દિલ્હીથી જ નિશ્ર્ચીત થશે પણ કોંગ્રેસ પક્ષની લોકલ લીડરશીપ ભાજપ હાથમાંથી બાજી છીનવી ના જાય તે માટે એકશનમાં છે. ગઈકાલે પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ડી.કે.શિવકુમારે દિલ્હીથી બેંગલુરૂમાં કેમ્પ કરનાર કે.સી.વેણુગોપાલન, રણદીપ સુરજેવાલાએ પક્ષના અન્ય નેતાઓ સાથે બેઠકો યોજી જો જરૂર પડે તો જનતાદળ (એસ)ને કઈ રીતે સાથે લેવો તેના પર વિચારણા કરી હતી તો ભાજપમાં હાલ ચર્ચા વિચારણાનો દૌર કેન્દ્રીય મંત્રી શોભા કરાંદલજે એ સંભાળ્યો છે

જે પુર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદીયુરપ્પાના ખાસ નજીકના ગણાય છે અને શોભા કે.એ. ભાજપ મોવડીમંડળ સાથે પ્રાથમીક વાતચીત કરી હતી. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપનો સતા મળવાની તક હશે તો શોભા કરાંદલજે તે મુખ્યમંત્રી તરીકે પસંદ કરી શકે છે. આમ રાજયમાં યેદીયુરપ્પા જે પ્રોક્સી શાસન કરશે અને તેના પુત્રને કેબીનેટમાં મહત્વનું પદ અપાશે. હાલમાં જ રાજયમાં જે બજરંગબલીના પાઠ જાહેરમાં યોજાયા તેમાં શોભા કરાંદલજેની ભૂમિકા મહત્વની હતી.૨૦૧૮ની જેમ બહુમતી મેળવ્યા વગર જ શપથવિધિનું જોખમ કોઈ પક્ષ લેશે નહી તે નિશ્ર્ચીત છે. બીજી તરફ જનતાદળ (એસ)ના નેતા શ્રી કુમારસ્વામી મતદાન પુરુ થતા જ ટુંકુ વેકેશન ગાળવા સિંગાપોર ચાલ્યા ગયા છે અને તેઓ કાલે બપોરે જ પરત આવશે.

જો જનતાદળ (એસ) સતા માટે મહત્વના હોય તેટલા ધારાસભ્યો તેમના પક્ષના ચુંટાશે તો તેને ‘સાચવવા’ રીસોર્ટ પણ બુક થયા છે તો કોંગ્રેસ પક્ષે તો પ્રદેશ પ્રમુખ ડી.કે.શિવકુમારના રીસોર્ટમાંજ ચુંટાયેલ ધારાસભ્યોને રાખવાની તૈયારી કરી છે તથા બસો પણ બુક થઈ ગઈ છે. જો જનતાદળ (એસ)નો ટેકો લેવામાં આવે તો બન્ને પક્ષોને તેમના મુખ્યમંત્રીની પસંદગીઓમાં પણ કુમારસ્વામીના ‘સૂચન’ને માનવું પડશે અને કોંગ્રેસમાં સિદ્ધરમૈયા અને ડી.કે.શિવકુમારના સ્થાને નવા ચહેરાને તક આપી શકાશે.ભાજપ કુમાર સ્વામીના પક્ષના કોઈ સિનીયર નેતાને રાજયસભા મારફત કેન્દ્રમાં કેબીનેટ મંત્રી પદની ઓફર કરી શકે. આમ સતા માટેના સોગઠા ગોઠવવાનું શરૂ થઈ ગયું છે.

૨૨૪ બેઠકો માટે આ વખતે પાછલી ચૂંટણીની સરખામણીમાં બે ટકા વધારે એટલે ૭૨.૬૭ ટકા મતદાન થયું છે. ત્યારે હવે કર્ણાટક ના સત્તાના રાજકારણ પર સટ્ટાબજાર પણ ગરમાયું છે.કર્ણાટકની આ વખતની ચૂંટણીમાં સટ્ટાબાજોએ ભાજપ પર નહીં પણ કોંગ્રેસ પર પૈસા લગાવ્યા છે. સટ્ટાબજારના એક્ઝિટ પોલની વાત કરીએ તો તેમના મુજબ ભાજપને ૮૦, જેડીએસને ૩૭ બેઠકો મળવાની શક્યતા છે. આ ચૂંટણીના પરિણામો પર જે બૂકી સટ્ટો લઇ રહ્યાં છે તેમના મુજબ કોંગ્રેસને ૧૨૦ થી ૧૩૦ બેઠકો મળવાની શક્યતા છે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ સટ્ટા બજાર પ્રમાણે કોંગ્રેસને ૧૧૦ બેઠકો, ભાજપને વધારેમાં વધારે ૭૫ બેઠકો મળવાની શક્યતાઓ છે. અન્ય એક સટ્ટા બજાર મુજબ કોંગ્રેસને ૧૩૭ બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને માત્ર ૫૫ બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે જનતા દલને ૩૦ બેઠકો મળી શકે છે.

કેટલાંક સટ્ટા બજારીઓ પ્રમાણે કોંગ્રેસને ૧૪૧ બેઠકો જ્યારે ભાજપને ૫૭ બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે જેડીએસને ૨૪ બેઠકો મળશે તેવી શક્યતા છે. સરવાળે મીડિયા હાઉસીસના એક્ઝિટ પોલ અને સટ્ટા બજારના એક્ઝિટ પોલ મુજબ જનાદેશ કોંગ્રેસની તરફેણમાં હશે અને ભાજપને ઘર ભેગા થવું પડશે. જોકે સાચું પરિણામાં તો આવતી કાલે ખબર પડશે કે આખરે કર્ણાટકના સત્તાધીશ કોણ બનશે.