- આ વખતે ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો મેળવવા અધીરી બની ગયેલી આપ પાર્ટીએ પણ ક્યાં કેટલું મેદાન માર્યું તે પણ સ્પષ્ટ થઈ જશે.
અમદાવાદ,
વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામ પર છે. મતગણતરી એક દિવસ બાદ થવાની હોવાથી શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા જિલ્લા અને શહેરની ૧૦ બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ ૨૧ બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
આવતીકાલે જાહેર થનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની ગુજરાતના તમામ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તાનું પરિવર્તન થવાની સંભાવના દર્શાવાય છે. જોકે તમામ પક્ષ પોતાની જીતનો વિશ્ર્વાસ પરિણામ સુધી અંકબંધ રાખી રહ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા અંબાજીના આશિર્વાદ લેવા અને જીતની પ્રાર્થના કરવા અંબાજી પહોંચ્યા હતા. તો બીજી તરફ એગ્જિટ પોલના તમામ રિપોર્ટ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો દાવો કર્યો છે.
કોંગ્રેસ કાર્યાલયે પરિવર્તનના કાઉન્ટડાઉનની ઘડીયાળ લાગી છે. જે કોંગ્રેસના જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. તો અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ પર ભરોસો ન હોય તે રીતે સ્ટ્રોંગરૂમની બહાર ખાનગી સુરક્ષા ગોઠવી છે. આ તમામ વચ્ચે જસદણ ભાજપમાં જુથવાદ હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં કુંવરજી બાવળીયાની સામે કોંગ્રેસના ઉમેદવારને વોટ કરવા ભાજપના કાર્યર્ક્તાઓ કહી રહ્યા છે. એવામાં આ તમામ બાબતો પરથી ૮ ડિસેમ્બરે પડદો ઉચકશે. કયા ઉમેદવાર ક્યાં બાજી મારશે, નવા ઉમેદવારો બેઠકો મેળવી શકશે કે નહીં અને જૂના જોગીઓ પોતાના ગઢ જાળવી રાખશે કે નહીં આ તમામ બાબતો આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. તો બીજી તરફ ભાજપ અઢી દાયકાનો દબદબો જાળવી શકશે ? અને જાળવી શકશે તો કેટલી બેઠકના વધારા કે ઘટાડા સાથે તેનો દબદબો રહેશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે તો આ વખતે ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો મેળવવા અધીરી બની ગયેલી આપ પાર્ટીએ પણ ક્યાં કેટલું મેદાન માર્યું તે પણ સ્પષ્ટ થઈ જશે. મતગણતરીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે કેટલાક પક્ષોએ અને ઉમેદવારે તો ફાટકડા અને મીઠાઇના ઓર્ડર સાથે વિજયી સરઘસ કાઢવાની પણ તૈયારી કરી લીધી છે.