1.29 લાખ વિદ્યાર્થીની ગુજકેટની પરીક્ષા:3 સેશનમાં યોજાનારી પરીક્ષા 4 વાગ્યા સુધી ચાલશે; ગરમીને લઈ સેન્ટરો પર ઠંડા પાણી સહિતની વ્યવસ્થા

ગુજરાતની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર અને વેટરિનરીની 1,39,283 બેઠક પર પ્રવેશ માટે આજે 23 માર્ચે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં 1,29,706 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી સીટો, ફાર્મસીની 10,752, એગ્રિકલ્ચરની 678 અને વેટરિનરીની 315 બેઠક છે.

ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં 19,067 વિદ્યાર્થી, અમદાવાદ શહેરમાં 11,657 અને રૂરલમાં 5,640 વિદ્યાર્થી, રાજકોટમાં 47 કેન્દ્રમાં 9,439 વિદ્યાર્થી અને વડોદરામાં 41 કેન્દ્રો પર 8,351 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 9.30 કલાકે વિદ્યાર્થીઓને શૂઝ ક્લાસ રૂમની બહાર કઢાવી પ્રવેશ આપવામાં આવ્યો છે. અનેક વિદ્યાર્થીઓ ફોટો આઇડી પ્રૂફ ભૂલી જતાં ઝેરોક્સ કરવા મોકલવામાં આવ્યા હતાં

ગુજકેટની પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓ ID પ્રૂફ લીધા વિના આવ્યા: કિશોર દવે

રાજકોટના ઢેબર રોડ ઉપરની સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના પ્રિન્સિપાલ કિશોર દવેએ જણાવ્યું હતું કે આજે 300થી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે અહીં જ્યારે વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી ત્યારે તેમાંના અમુક છાત્રો પોતાનું ફોટો આઈડી કાર્ડ સાથે લાવ્યા નહોતા અને તેથી તેમને ઝેરોક્સ કરવા માટે મોકલવા પડ્યા. ગુજકેટની પરીક્ષાને લઈને સરકાર દ્વારા તો તમામ વિગતો વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી હતી, પરંતુ જે-તે સ્કૂલ દ્વારા પણ વિગતો વિદ્યાર્થીઓને યોગ્ય રીતે મળે તો પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે.

ગુજકેટની એક્ઝામ ત્રણ સેશનમાં લેવાશે

પ્રથમ સેશનમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર હશે, જેમાં વિદ્યાર્થીઓને આજે સવારે 9:30 વાગ્યે પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી આપી દેવામાં આવી છે. બાદમાં 10થી 12 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. 12.01થી 12.05 દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્તરવહી પર ખાખી સ્ટિકર લગાવી એને સબ્મિટ કરવાની રહેશે, જે 80 માર્કનું પેપર રહેશે. એ બાદ બપોરે 12.06થી 12.29 સુધી રિસેસ હશે.

બીજા સેશનમાં બાયોલોજીનું પેપર હશે, જે માટે 12.30 વાગ્યે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી આપી દેવામાં આવશે. જ્યારે પરીક્ષા બપોરે 1થી 2 વાગ્યા દરમિયાન યોજાશે. 2.01થી 2.05 વાગ્યા સુધીમાં ખાખી સ્ટિકર આન્સર સીટ ઉપર લગાવી સબ્મિટ કરવાનું રહેશે, જે પેપરના 40 માર્ક હશે. એ પછી 2.06થી 2.29 સુધી રિસેસ હશે. એ બાદ ત્રીજા સેશનમાં મેથ્સનું પેપર હશે, એ માટે 2.30 વાગ્યે પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી આપી દેવામાં આવશે. બાદમાં પેપર બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન યોજાશે. 4.01થી 4.05 વાગ્યા સુધીમાં ખાખી સ્ટિકર આન્સર સીટ ઉપર લગાવી સબ્મિટ કરાવવાનું રહેશે, જેના પણ 40 માર્ક હશે અને આ રીતે પરીક્ષા પૂર્ણ થશે.