લુણાવાડા,
રાજયના ખેડૂતોની વર્ષો જૂની માંગણી ખેતીમાં સિંચાઇની સુવિધા મળે તે માટે દિવસે વીજળી આપવાની હતી તે માંગણી સરકારે પૂર્ણ કરી રાજય સરકાર વીજ સેવા ક્ષેત્રમાં નવું સિમાચિહન સ્થાપવા જઇ રહી છે.
પાણી-વીજળી માટે રાજય સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરી છે. આ માટે ધરતીપુત્રોને રાત્રિ દરમિયાન વિશ્રામ મળે અને દિવસે જ વીજળી મળે તો ખેતીકામ દિવસ દરમિયાન કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા પ્રથમ તબકકામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યા હતા. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજયમાં બીજા તબકકાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બીજા તબકકામાં રાજયના ૩૦ જિલ્લાના ૨૯૦૦ ગામોના અંદાજે ર.૨૪ લાખ ખેડૂતોને દિવસે વીજળી અપાશે.
બીજા તબકકાના કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આજે ૧૩/૧/૨૦૨૧ના રોજ બપોરના ર-૦૦ કલાકે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહીસાગર જિલ્લાના છ તાલુકાના ૧૨૭ ગામોના કિસાનો માટેની આ યોજનાનો મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી પ્રારંભ કરાવશે.આ અંગેની વિગતો આપતાં મહીસાગર એમ.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર રાકેશભાઇ જી. શાહે જણાવ્યું કે, રાજય સરકારની આ મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનામાં એમ.જી.વી.સી.એલ. સહભાગી બની રહ્યું છે. અને તેના દ્વારા મહીસાગર જિલ્લાના છ તાલુકાના ૧૨૭ ગામોના ૫૮૧૩ કિસાનોને તેનો સીધા લાભ મળતાં ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાંથી કાયમ માટે મુકિત મળશે. આ ઉપરાંત સૂર્ય ઊર્જા થકી દિવસે થતી વીજળીનો દિવસે જ વપરાશ કરવાથી દિવસે ખેતી કરવાથી રાત્રે આરામ પણ કરી શકશે.
છેલ્લા ૩૦ વર્ષમાં વીજ વિતરણમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુવિધા બહેતર બનાવવામાં આવી છે. ત્રણ દાયકા પહેલાં જીઇબીના નામે ઓળખાતા ગુજરાત વિદ્યુત બોર્ડનું કંપનીકરણ થયા બાદ મહીસાગર જિલ્લામાં વીજ સેવાની સફર આજે ૨૧ સબ સ્ટેશન સુધી પહોંચી છે. મહીસાગર જિલ્લામાં ત્રીસ વર્ષ પહેલાં ૦૪ સબ ડીવીઝનની સામે અત્યારે કુલ ૧૦ સબ ડીવીઝન કાર્યરત કરવામાં આવ્યા છે. અને હાલમાં ૭૧૧ ગામો સુધી વીજળી પહોંચાડવામાં આવી છે
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ જિલ્લાના તમામ છ તાલુકાઓના ૧૨૭ ગામોને આવરી લેવામાં આવ્યા છે જેમાં લુણાવાડા તાલુકાના-૩૮, કડાણાના-૪૪, બાલાસિનોરના-૧૪, ખાનપુરના-૧૧, સંતરામપુર અને વિરપુર તાલુકાના ૧૦-૧૦ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, કૃષિ રાજય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જયદ્રથસિંહજી પરમાર જયારે સાંસદ રતનસિંહ રાઠોડ અને જશવંતસિંહ ભાભોરની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ પ્રસંગે મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા, ધારાસભ્યો સર્વ જીજ્ઞેશભાઇ સેવક, કુબેરભાઇ ડીંડોર, અજિતસિંહ ચૌહાણ, જિલ્લા અગ્રણી દશરથભાઇ બારિયા, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજીંગ ડીરેકટર મતી શાહમીના હુસૈન, મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજીંગ ડીરેકટર તૃષાર ભટ્ટ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ-કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહેશે.