મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા સામે કેટલાક રાજ્યના ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. આવતીકાલે બંધનું એલાન આપ્યું છે. અત્યાર સુધી ખેડૂત આંદોલન રાજકારણથી અલગ રહ્યું હતું. પરંતુ હવે રાજકીય પાર્ટીઓની તેમાં એન્ટ્રી થઈ ગઈ છે. જેના કારણે આંદોલન પર રાજનીતિ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ આંદોલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું અને ગુજરાતમાં કોઈ બંધ નહીં રહે તેવી જાહેરાત કરી. તો કોંગ્રેસે કહ્યું અમે ખેડૂતોની સાથે છીએ.
- ખેડૂત સંગઠનોએ આવતીકાલે ભારત બંધનું એલાન આપ્યું
- CM રૂપાણીએ કહ્યું, આવતીકાલે ‘ગુજરાત બંધ’ નહીં રહે
- અમિત ચાવડાએ કહ્યું, ગુજરાત સરકાર ખેડૂત વિરોધી
- DGPએ કહ્યું, આવતીકાલે ગુજરાતભરમાં 144 લાગૂ રહેશે
ભારત બંધના એલાન પર હવે રાજકારણ તેજ થઈ ગયું છે. કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ સમર્થન કર્યું છે. તો ભાજપે ભારત બંધને કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓથી પ્રેરિત ગણાવ્યું છે. ગુજરાતમાં બંધની કોઈ અસર નહીં વર્તાય તેવો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો. સાથે જ કોઈ બળજબરીથી બંધ કરાવવા માટે ન નીકળે. જો કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ સંબોધી સરકાર સામે આક્ષેપ લગાવ્યો કે ગુજરાત સરકાર ખેડૂત વિરોધી છે. ખેડૂતો માટે સરકાર પાસે કોઈ નીતિ નથી. બંધના એલાનથી સરકાર ફફડી ગઈ છે. આ આંદોલન ખેડૂતોના માન-સન્માનનું આંદોલન છે.
બીજી તરફ બંધને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું કે, આવતીકાલે ગુજરાતભરમાં 144 લાગૂ રહેશે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. રોડ-રસ્તા બ્લોક કરવાનું કે અડચણ કરવાનો કોઈ પ્રયાસ કરશે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે અને ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ APMCને પણ ચુસ્ત બંદોબસ્ત પુરૂ પાડવામાં આવશે. ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. DGPએ ચમકી આપી કે બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવનારાઓ અને હિંસક વીડિયો અપલોડ કરીને રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
આપને જણાવી દઈએ કે નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 પાર્ટીઓ અને 10 ટ્રેડ યુનિયન પણ આવ્યા છે. તો કેટલાક સંગઠનો અને સંસ્થાઓએ કૃષિ કાયદાનું સમર્થન કર્યું અને ભારત બંધનમાં ન જોડાવા કહ્યું છે. ત્યારે બંધને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું અને ત્યારબાદ સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 9 ડિસેમ્બરે યોજાનારી બેઠક સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.