નવીદિલ્હી, ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. છેલ્લા એકાદ દાયકામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. પહેલા ૨જી, ૩જી, ૪જી અને હવે ૫જી સેવાઓ પણ ભારતમાં શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, ભારતની લગભગ અડધી વસ્તી પાસે હજુ પણ ઇન્ટરનેટની સુવિધા નથી. આવો અમે તમને આનાથી જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો જણાવીએ, જેને જાણ્યા પછી તમે પણ આશ્ચર્યચક્તિ થઈ જશો.
આઇએએમએઆઇ એટલે કે ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને કંટારે સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો છે અને તેના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતીય વસ્તીના ૪૫% લોકો પાસે હજુ પણ ઈન્ટરનેટની સુવિધા નથી. જો આપણે આને આંકડાઓમાં સમજીએ તો વર્ષ ૨૦૨૩ સુધીમાં ભારતમાં રહેતી કુલ વસ્તીમાંથી ૬૬૫ મિલિયન એટલે કે લગભગ ૬૬.૫૦ કરોડ લોકો પાસે હજુ પણ ઈન્ટરનેટની સુવિધા નથી. આ રિપોર્ટમાં નોન-એક્ટિવ ઈન્ટરનેટ યુઝર્સનો ડેટા દર્શાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૧માં ભારતના ૫૨% લોકો એટલે કે લગભગ ૭૬.૨૦ કરોડ લોકોએ ઈન્ટરનેટ સુવિધાનો ઉપયોગ કર્યો ન હતો. તે જ સમયે, જો આપણે વર્ષ ૨૦૨૨ ની વાત કરીએ, તો તે વર્ષમાં આ આંકડો ઘટીને ૪૮% પર આવી ગયો, અને ત્યારે પણ ૭૧.૪૦ કરોડ લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા નહોતી.
હવે આ આંકડો વર્ષ ૨૦૨૩માં ૪૫% પર પહોંચી ગયો છે, જ્યારે ભારતના ૬૬.૫૦ કરોડ લોકો બિન-સક્રિય ઇન્ટરનેટ વપરાશર્ક્તાઓ છે. છેલ્લા ત્રણ વર્ષના આ આંકડાઓ પર નજર કરીએ તો સમજી શકાય છે કે ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં દર વર્ષે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. બિન-સક્રિય વપરાશર્ક્તાઓની સંખ્યામાં ઘટાડો દર વર્ષે લગભગ ૩-૪ ટકા છે.
આઇએએમએઆઇ અને કંતારના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ગામડાઓમાં રહેતા લગભગ અડધા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. ઈન્ટરનેટનો ઉપયોગ ન કરવા પાછળ ઘણાં વિવિધ કારણો છે. ચાલો તમને બધા કારણો વિશે જણાવીએ. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં રહેતા ૨૩% નોન-એક્ટિવ ઈન્ટરનેટ વપરાશર્ક્તાઓ માને છે કે, ‘ઈન્ટરનેટને સમજવું અને તેનો ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ છે.’
જો કે, જો આપણે સમગ્ર ભારતમાં સક્રિય ઇન્ટરનેટ વપરાશર્ક્તાઓની સંખ્યા પર નજર કરીએ, તો તે દિવસેને દિવસે વધી રહી છે અને દરરોજ નવા રેકોર્ડ પણ બનાવી રહી છે. ૨૦૨૩ સુધીમાં, ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૮૦૦ મિલિયન એટલે કે ૮૦ કરોડને વટાવી ગઈ છે. આ રિપોર્ટ અનુસાર, ૨૦૨૩ સુધીમાં ભારતમાં ૮૨૦ મિલિયન એટલે કે લગભગ ૮૨ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરશે.