નીટ કૌભાંડમાં સંડોવાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને ગઈકાલે ગોધરા કોર્ટમાંથી કસ્ટડીમાં લીધા બાદ સીબીઆઇએ બીજા દિવસે પણ તેમની પૂછપરછ શરૂ કરી છે. ગોધરા કોર્ટે પાંચ પૈકી ચાર આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે.
ગોધરા બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી આરોપીઓની પૂછપરછ કર્યા બાદ આજે સવારે ૯ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તમામ આરોપીઓને ગોધરા સકટ હાઉસ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સીબીઆઈ તુષાર ભટ્ટ, આરીફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની પૂછપરછ કરી રહી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની આશા છે. ત્યારે નીટ પ્રકરણ અંગે સીબીઆઇ શું આગળ લાવશે તે અંગે સૌને ઉત્સુક્તા છે.
નીટ પરીક્ષા કૌભાંડ મામલે CBI એ ચાર આરોપીઓના રિમાન્ડ માગ્યા હતા. ગઈકાલે આ મામલે વધુ સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશભરમાં ચકચાર જગાવનાર નીટ કૌભાંડ મામલે ગોધરા ખાતે પાછલા ચાર દિવસથી સીબીઆઇની ટીમે ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાંચમાં દિવસે આ મામલે પકડાયેલા ૪ આરોપીઓના રિમાન્ડ માટે ગોધરા કોર્ટમા અરજી કરવામાં આવી હતી. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં લેવાયેલી નીટની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સમગ્ર મામલો હવે સીબીઆઇના હાથમાં આવ્યો છે. સીબીઆઈના અધિકારીઓ છેલ્લા પાંચ દિવસથી ગોધરામાં તૈનાત છે.
સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં, પરીક્ષા કેન્દ્ર એવા જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ કેતકી પટેલને પણ CBI દ્વારા ગોધરા સકટ હાઉસ ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. આ સાથે ગોધરાના બમરોલી રોડ સ્થિત કેતકી પટેલના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.