આજથી ૪ દિવસ હીટવેવ, તાપમાન ૪૩ ડિગ્રી સુધી જવાની આગાહી

અમદાવાદ, રાજ્યમાં હાલ ઉકળાટભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં રાજકીય ગરમી વચ્ચે લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હવામાનને લઈ ચિંતા વધારે એવી આગાહી સામે આવી છે. આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આજથી ૪ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે મે મહિનામાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજથી ૪ દિવસ હીટવેવની આગાહી છે. જ્યારે મે મહિનામાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક શહેરોમાં તો ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૨ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૪૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉપરાંત, અમરેલીમાં ૪૧.૩ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન, કંડલામાં ૪૦.૧ ડિગ્રી, વડોદરામાં ૪૦ ડિગ્રી, ભૂજમાં ૩૯.૫ ડિગ્રી, સુરતમાં ૩૯.૨ ડિગ્રી, નલિયામાં ૩૮.૯ ડિગ્રી, ડીસામાં ૩૮.૮ ડિગ્રી, ભાવનગરમાં ૩૯.૯ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૦.૫ ડિગ્રી, કેશોદમાં ૩૮.૯ ડિગ્રી અને મહુવામાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ૫ દિવસ સુધી એટલે કે ૧ થી ૫ મે દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર ખાતે ઉષ્ણ લહેરની ચેતવણી વિભાગ દ્વારા આપવામાં આવી છે.