જીલ્લામાં દિવ્યાંગ જનો,વયોવૃદ્ધ,અને પ્રભુતામાં પગલા પાડનાર યુગલોએ પણ મતદાન મારો અધિકાર હેઠળ મતદાન થકી પોતાની ફરજ અદા કરી છે.જેમાં કાલોલ તાલુકાના કાલંત્રા ગામના યુવાન વિજયકુમાર ગણપતભાઈ રાઠવાના લગ્ન હોવાથી પીઠીની વિધિ પછી પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું.જ્યારે શહેરા મત વિસ્તારના ધાંધલપુર પ્રાથમિક શાળા ખાતે પટેલ રાધાબેન પ્રવીણભાઈએ પીઠીની રસમ બાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જીલ્લામા દિવ્યાંગ મતદારો માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકે લાવવા-લઈ જવા માટે વાહન તથા મતદાન મથકે વ્હીલ ચેર સાથે સહાયકની સુવિધા ઉપલબ્ધ કરાવેલ હતી. જેના લીધે દિવ્યાંગ મતદારો દ્વારા પણ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો.
127 – કાલોલના 263 -ભીલોડ -2 મતદાન મથક ખાતે 105 વર્ષના મહિલા મતદાર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તમામ મતદારોને પોતાના અમુલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા.તો ગોધરા મતવિસ્તારના 246-મહુલિયા-2 ખાતે અંધ મતદારો દ્વારા સહાયકની મદદથી શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની ફરજ અદા કરી હતી.