આજનો દિવસ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક રહ્યો, સેન્સેક્સએ તોડ્યો રેકોર્ડ

મુંબઇ, ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. બીએસઈ સેન્સેક્સ આજે તેની જૂના રેકોર્ડની ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ આજે ૬૩,૫૮૮ પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર છે. જોકે નિફ્ટીએ હજુ સુધી ૧૮,૮૮૭ની લાઈફ ટાઈમ હાઈ લેવલ પાર કરી નથી.

આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ ૧૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩,૫૨૩ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮,૮૫૬ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં બેક્ધિંગ, આઈટી, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારમાં આવેલી શાનદાર તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. બજાર બંધ થતાં બીએસઇનું માર્કેટ કેપ રૂપિયા ૨૯૪.૩૫ લાખ કરોડ પર બંધ થયું છે. જે મંગળવારે રૂપિયા ૨૯૩.૫૪ લાખ કરોડ પર બંધ થયું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા ૮૧,૦૦૦ કરોડનો ઉછાળો આવ્યો છે.

આજના વેપારમાં પાવર ગ્રીડ ૩.૬૮%, એચડીએફસી બેંક ૧.૭૧%, ટેક મહિન્દ્રા ૧.૧૩%, ટીસીએલ ૦.૯૪%, વિપ્રો ૦.૭૮%, રિલાયન્સ ૦.૬૬%, ભારતી એરટેલ ૦.૫૫%ના શેર વધારા સાથે બંધ થયા હતા. જ્યારે આઇટીસી ૧.૨૯ ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૮૭ ટકા, એક્સિસ બેન્ક ૦.૮૩ ટકા ઘટીને બંધ થયા છે.

બીએસઈના ૩૦ શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સે આજે ૬૩,૪૬૭.૪૬ ના સ્તર પર કારોબારની શરૂઆત દર્શાવી હતી. આ સિવાય એનએસઈનો ૫૦ શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી તેજી સાથે ૧૮,૮૪૯.૪૦ ના સ્તર પર ખુલ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વધતા PMI  સાથે ભારત સરકાર દ્વારા મૂડીખર્ચમાં સતત વધારો થવાને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો આજે નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. એપ્રિલથી આપણાં બજારોમાં FIIના  વળતરથી સેન્ટિમેન્ટમાં વધારો થયો છે, જોકે સ્થાનિક રોકાણકારોએ ભારતીય ઇક્વિટીમાં વિશ્ર્વાસ જાળવી રાખ્યો છે.