મુંબઇ,દુનિયાભરમાં પોતાના સરોદ વાદન માટે જાણીતા પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાને મુંબઈમાં એક ખાસ સરોદ કોન્સર્ટ મોર્નિંગ રાગનું આયોજન કર્યું. આ કોન્સર્ટ મુંબઈના જાણીતા રોયલ ઓપેરા હાઉસમાં યોજાયું હતું. આ પ્રસંગે ઉસ્તાદ અમજદ અલી ખાને પોતાના સરોદ વાદનથી ઓડિયન્શને મંત્રમુગ્ધ કરી દીધા. આ પ્રસંગે જાણીતા કવિ અને ફિલ્મમેકર ગુલઝાર પણ હાજર હતા.
ગુલઝારે અમજદ અલી ખાન માટે એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ઉસ્તાદ અમજદ અલી ખાને વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.ઉસ્તાદ અમજદ અલી ખાને જણાવ્યું કે, ગ્વાલિયરમાં તેમણે પોતાના જુના ઘરને સરોદ ઘર એટલે કે એક મ્યુઝિયમમાં ફેરવી નાંખ્યું છે. આ ઘર પહેલા જર્જરિત હાલતમાં હતું. ગુલઝારે તેના પર ડૉક્યુમેન્ટરી પણ બનાવી છે. તેમણે જણાવ્યું કે, આ કોન્સર્ટ આ મ્યુઝિયમ માટે ફંડિંગ ભેગુ કરવામાં આવી રહ્યું છે. કારણ કે, આ મ્યુઝિયમ દ્વારા લોકોને સંગીત અને સરોદની વધુ નજીક લાવી શકાશે.
થોડાં દિવસ પહેલા ઉસ્તાદ અમજદ અલી ખાને જણાવ્યું હતું કે, તેમના મુસ્લિમ નામના કારણે બ્રિટનના વિઝા આપવામાં નહોતા આવ્યા. ત્યારબાદ નિરાશા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, તેમનું મન થાય છે કે તેઓ પોતાનું નામ બદલીને સરોદ કરી દે. આ મુદ્દા પર વાત કરતા તેમણે કહ્યું- ૨૧મી સદીમાં એવુ લાગતું હતું કે, બધુ જ શાંત હશે. લાગતું હતું કે, ભણતરથી લોકો સમજદાર બનશે પરંતુ, સ્કૂલ એક બિઝનેસ ઈન્ડસ્ટ્રી બની ચુકી છે. કદાચ એટલા માટે જ શિક્ષણ આપણને વિનમ્ર ના બનાવી શકી. આજે પણ લોકોની સાથે ધર્મ અને રંગના આધાર પર ભેદભાવ થાય છે. દુનિયામાં લોકો વિનમ્ર થવાને બદલે વધુ નિર્દયી થઈ ચુક્યા છે.મુસ્લિમો સાથે દુનિયામાં થનારા ભેદભાવ પર ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું કે, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા ૯/૧૧ના હુમલા બાદ મુસ્લિમો પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. તેમણે કહ્યું, ૯/૧૧ બાદ વિદેશમાં મિસ્ટર ખાન તરીકે જવા પર ચેકઅપ કરતા હતા. આથી, મારી પત્નીએ જ્યારે અમાન અને અયાન જન્મ્યા તો અમારા પૂર્વજોની સરનેમ બંગશ લગાવી દીધી. હવે સમગ્ર દુનિયામાંથી કોઈપણ ખાન અમેરિકા અથવા ક્યાંક બીજે જાય તો તેમને વધુ ચેક કરવામાં આવે છે. જોકે, અમારી સાથે આવુ વધુ નથી થયું પરંતુ, અમે ત્યાંના લોકોની માનસિક શાંતિ માટે સૂટબૂટ પહેરીએ છીએ.
ભારતની સાથે જ દુનિયાભરમાં ધર્મના આધાર પર વધતી અસહિષ્ણુતા પર વાત કરતા ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું કે, દરેક જગ્યાએ માત્ર ધર્મના આધાર પર જ રાજકારણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું, આ માત્ર ભારતની વાત નથી. મારા પિતાએ કહ્યું કે, સમગ્ર દુનિયાનો એક જ ભગવાન છે, એક જ શક્તિ છે જે લાવે છે અને લઈ જાય છે. માણસાઈ એક જ ધર્મ છે. હું દરેક ધર્મ સાથે જોડાયેલો અનુભવુ છું. મારી ઓડિયન્સ દરેક ધર્મની છે. આથી હું તો સમગ્ર દુનિયાની શાંતિની દુઆ કરું છું. હું ખૂબ જ ઉદાસ છું જે રશિયા અને યુક્રેનમાં લડાઈ થઈ રહી છે. તેના કારણે મોંઘવારી વધી ગઈ છે અને સરકાર કોઈપણ હોય પરંતુ, જો એકવાર ભાવ ઉપર ચાલ્યા જાય તો તે ક્યારેય નીચે નથી આવતા.
ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે વધતા અંતર પર પણ ઉસ્તાદ અમજદ અલી ખાને વાત કરી. તેમણે કહ્યું, આપણે અલગ-અલગ પાર્ટીઓ અને તેમની વિચારધારાઓ સાથે સંકળાયેલા છીએ અને આપણે દયાવાન બનવાનું છે. કદાચ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ ખામી રહી ગઈ છે જે આપણે સુધારવાની છે. નહીં તો, એક પીએચડી કરેલ વ્યક્તિ સાંપ્રદાયિક કરી રીતે બની જાય છે ભલે તે કોઈપણ ધર્મનો કેમ ના હોય.