
રાજ્યના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક/યુવતીઓને માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ “રાજ્ય કક્ષા ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવે છે. યુવક-યુવતીઓને આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવાના હેતુસર સરકાર દ્વારા એક દિવસીય “રાજ્ય કક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા’ આગામી જાન્યુઆરી-૨૦૨૫માં ગીરનાર-જૂનાગઢ ખાતે યોજવામાં આવશે તેમ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફાર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢને તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં મોકલી આપવાનું રહેશે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫માં રાજકોટ ખાતે ઓસમ પર્વત ચોટીલા, ઇડર,પાવાગઢ તથા વલસાડના પારનેરા ડુંગર ખાતે આયોજિત થનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનિયર/ સિનિયર વિભાગમાં ૧ થી ૧૦ ક્રમાંકે વિજેતા થયેલ યુવક/યુવતીઓએ રાજ્ય કક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. તે વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખીલ ભારત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં” સીધોજ પ્રવેશ મેળવી શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે પોતાના ખર્ચે સ્પર્ધાના સ્થળ જૂનાગઢ ખાતે આવવાનું રહેશે, સ્પર્ધા દરમ્યાન વિના મુલ્યે નિવાસ, ભોજન તેમજ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આયોજક જિલ્લાને મળેલ અરજીઓ પૈકી આ સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ સિવાય કોઈપણ બાબતની જાણકારી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢનો સંપર્ક કરવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.