સ્પેસ ટૂરિઝમ એ આગામી યુગનો નવો બિઝનેસ બની રહ્યો છે. સ્પેસ ટૂરિઝમમાં સિક્કો જમાવવા માટે વિવિધ કંપનીઓ મેદાને પડી ચૂકી છે. આગામી પાંચ વર્ષમાં આ વેપાર ૬૦૦ અબજ રૂપિયાને પાર પહોંચવાની શક્યતા છે.
હવામાં તરતા થઈ જવાય એટલા ઊંચેનો પ્રવાસ સ્પેસ ટ્રાવેલ
ટુરિઝમથી આપણે સૌ કોઇ વાકેફ છીએ પરંતુ સ્પેસ વિશે લોકોની વિવિધ માન્યતાઓ જરૂરથી હોવાની. હકીકતે ૮૦-૧૦૦ કિલોમીટર ઊંચેનું વાતાવરણ અવકાશ ગણાય છે. તેની નીચેનું આકાશ કહેવાય છે. ધરતીથી ૧૦૦ કિલોમીટર ઊંચેની કાલ્પનિક સીમાને આકાશ-અવકાશ વચ્ચેની રેખા માની લેવાઈ છે. પણ એ બે દેશો વચ્ચે હોય એમ આકાશની સીમા સાવ ફિક્સ નથી હોતી. તાજેતરમાં સ્પેસમાં જનાર રિચર્ડ બ્રૈનસન ૧૦૦ કિલોમીટર સુધી પહોંચ્યા ન હતાં. તેઓ ૮૬-૮૫ કિલોમીટર સુધી જ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ગુરુત્વાકર્ષણની અસર એટલી ઓછી થઈ ગઈ હતી કે પ્રવાસીઓ હવામાં તરતા થઈ ગયા હતાં. હવામાં તરતા થઈ જવાય એટલા ઊંચેનો પ્રવાસ સ્પેસ ટ્રાવેલ કહેવાય છે.
સ્પેસ ટુરિઝમની શરૂઆત ૨૦૦૧માં થઈ હતી
આમ, તો સ્પેસ ટુરિઝમની શરૂઆત ૨૦૦૧માં થઈ હતી. જ્યારે રશિયન ઉદ્યોગપતિ ડેનિસ ટીટો સ્પેસમાં ગયા હતા. એ માટે તેમણે ૨ કરોડ ડોલરના ખર્ચે સ્પેસ ટિકિટ ખરીદી હતી. ટીટો એવાં પહેલા વ્યક્તિ હતા જે અવકાશયાત્રી કે વિજ્ઞાની ન હોવા છતાં સ્પેસમાં જઈ શક્યા હતા. હવે બે દાયકામાં ટેકનોલોજીમાં અકલ્પનિય સુધારો થયો છે અને અઢળક ખર્ચો કરનારા લોકોની કમી નથી. એટલે સ્પેસમાં જવાની ટિકિટ બુકિંગ શરૂ થાય તો સંખ્યાબંધ લોકો નામ નોંધાવે છે.
5 વર્ષમાં સ્પેસ ટુરિઝમનો બિઝનેસ ૭.૭ અબજ ડોલરએ પહોંચવાની શક્યતા
માર્કેટ્સ એન્ડ માર્કેટ નામની વૈશ્વિક એજન્સીએ તૈયાર કરેલા રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષમાં સ્પેસ ટુરિઝમનો બિઝનેસ ૭.૭ અબજ ડોલરએ પહોંચવાની શક્યતા છે. થોડા સમય પહેલા એક સર્વે થયો તો જાણવા મળ્યું કે અમેરિકામાં જેમની પાસે ૫૦ લાખ ડોલર કરતાં વધારે સંપતિ છે એવા ૪૦ ટકા ધનપતિઓ સ્પેસમાં જવા તૈયાર છે. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ પણ ખાનગી કંપનીઓ રોકેટ વિકસાવે અને અવકાશમાં જતી થાય એ માટે પ્રોત્સાહન આપી રહી છે.