આગામી તહેવારોની ઉજવણી કોરોનાની સાવચેતી સાથે કરવા કલેક્ટરશ્રી વિજય ખરાડીની અપીલશિયાળાની ઋતુમાં નાગરિકોએ કોરોના વાયરસ સામે વધુ સાવચેતી રાખવી પડશે, રોજગારીઅર્થે બહાર થયેલા નાગરિકો પરત ફર્યે ટેસ્ટ કરાવેઆગામી દિવસોમાં આવનારા ઇદ, શરદ પૂનમ, દિવાળી અને બેસતા વર્ષ સહિતના તહેવારો કોરોના વાયરસ સામે સાવચેતીના પગલાં રાખીને ઉજવણી કરવા માટે દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ અપીલ કરી છે. શ્રી ખરાડીએ જણાવ્યું છે કે, વિદેશોમાં કોરોના વાયરસના સંક્રમણનો અભ્યાસ કરવામાં આવે તો માલૂમ પડે છે.
ત્યાં કોરોના વાયરસના કેસોમાં ફરી ઉછાળો નોંધાઇ રહ્યો છે. એટલે અહીં પણ એવી સ્થિતિ ના સર્જાય એ માટે વધુ સાવચેતી રાખવી પડશે. આપણે ત્યાં શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. સામાન્ય રીતે પણ શિયાળમાં શરદી ઉધરસના કેસોમાં વધારો થતો હોય છે, પણ આ વખતે કોરોનાકાળ ચાલી રહ્યો છે. તેથી નાગરિકોએ વધુ સાવધાની રાખવી પડશે. તેમણે જણાવ્યું કે, દાહોદમાં એવા પણ કેસો ધ્યાને આવ્યા છે કે, પરિવાર સાથે યાત્રામાં ગયા હોય અને પરત આવ્યા બાદ તમામ સભ્યોને કોરોના વાયરસ લાગું પડ્યો હોય. મૃત્યુ પછી રાખવામાં આવેલી વિધિમાં સામેલ થયેલા લોકો પૈકી ૧૭ને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ કેસો એ બાબતની શીખ આપે છે કે, ભીડભાડવાળી જગાએ જવાનું ટાળવું જોઇએ. ભીડમાં રહેલી કોઇ એસિમ્પટોમેટિક વ્યક્તિથી તમને પણ કોરોના વાયરસ લાગી શકે છે.
કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે દાહોદમાંથી બહારના જિલ્લામાં અનેક લોકો રોજગારી માટે ફરી ગયા છે. આ લોકો તહેવારોમાં દાહોદ પરત આવશે. બહારના જિલ્લામાંથી પરત આવનારા લોકોએ પોતાની તબીયત અંગે ખૂબ જ તકેદારી રાખવી પડશે. કોરોના વાયરસના એક પણ લક્ષણ જણાય તો ચિંતા કર્યા વીના ટેસ્ટ કરાવી લેવો જોઇએ. હાલની સ્થિતિમાં ટેસ્ટ ઇઝ બેસ્ટ છે. દાહોદમાં એક ચિંતાકારક બાબત ધ્યાને આવી છે એમ કહેતા શ્રી વિજય ખરાડીએ ઉમેર્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં કોમોરબીડ વ્યક્તિને કોરોના વાયરસ લાગું પડવાથી મૃત્યુના કેસમાં દર્દી બહુ જ મોડેથી સારવાર માટે દાખલ થયા હોવાનું નોંધાયું છે. ઘરમાં રહેલા વડીલોની પરિવારજનોએ ખૂબ જ સંભાળ લેવાની જરૂર છે. કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો તુરંત જ ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે. કારણ કે, જો યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીના શરીરમાં કોરોના વાયરસ અસર વધુ થઇ જતી હોય છે. બાદમાં તે દર્દી રિકવર થઇ શકતી નથી. ખાનગી તબીબોને પણ ફરી અપીલ છે કે આવા દર્દીઓને તુરંત કોરોનાનો ટેસ્ટ કરાવવા મોકલે. કલેક્ટરશ્રી વિજય ખરાડીએ કહ્યું કે, આગામી દિવસોમાં આવનારા તહેવારોમાં આપણે સૌએ વધુ કાળજી રાખવી પડશે. બને ત્યાં સુધી ઘરમાં જ રહીને તહેવારોની ઉજવણી કરવી હિતાવહ છે. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ. દાહોદના વેપારીને પણ કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો છે કે, શાકભાજી, કરિયાણા, દૂધ, હેરકટિંગ કરતા વ્યવસાયી-વેપારીઓને પખવાડિયા કે સમયાંતરે પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જેથી પોતે અને પોતાના ગ્રાહકોને ચેપથી બચાવી શકાય.