આગામી તા.30 એપ્રિલે સરકારી પોલીટેકનિક હાલોલ ખાતે ઇજનેરી અભ્યાસક્રમો બાબતે માર્ગદર્શન સેમિનાર યોજાશે

ગોધરા,ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2023-24 છેલ્લા ત્રણ વર્ષની જેમ સંપૂર્ણ ઓનલાઈન કરવાનું સરકાર દ્વારા નક્કી કરાયું છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં તથા ઉમેદવારો અને વાલીઓના પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે પ્રવેશ સમિતિ દ્વારા તારીખ 30-04-2023ને રવિવારના રોજ સવારે 11:00 વાગ્યે હાલોલ ખાતે નિયુક્ત નોડલ સંસ્થા, સરકારી પોલિટેકનિક હાલોલના અધિકારીઓ તેમજ પ્રવેશ સમિતિના અધિકારીઓ દ્વારા ચર્ચાસભા અને માર્ગદર્શનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ સેમિનાર હોલ, પ્રથમ માળ, સરકારી પોલિટેકનિક હાલોલ, પ્રાંત કાર્યાલયની બાજુમાં, કંજરી રોડ, હાલોલ ખાતે યોજાશે. ઉપર મુજબના સ્થળે ઉમેદવારો અને વાલીઓને સદર કાર્યક્રમમાં પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવનાર હોઈ તેનો મહતમ લાભ લેવા જણાવવામાં આવે છે. કાર્યક્રમમાં ઉમેદવારો અને વાલીઓએ કાર્યક્રમ શરૂ થવાના અડધા ક્લાક પહેલા પોતાનું સ્થાન ગ્રહણ કરવા આગ્રહ કરાયો છે. સદર કાર્યક્રમ દરમ્યાન કોવિડ-19 અંગેની સરકારની સૂચનાઓનું પાલન કરવા પણ સરકારી પોલીટેકનિક હાલોલના આચાર્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.