મહીસાગર,આગામી વર્ષાઋતુના આગોતરા આયોજન સંદર્ભે જીલ્લામાં સંભવિત પૂર, વાવાઝોડું અને ભારે વરસાદની સંભાવનાને પહોંચી વળવા, તમામ તૈયારીઓ કરવા અને વિભાગીય કામગીરીની સમીક્ષા સહ ચર્ચા-વિચારણા માટે કલેકટર નેહા કુમારીના અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કલેકટર કચેરી હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં પ્રિ-મોન્સુન દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીની પૂર્વસમીક્ષા કરી કલેક્ટરએ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવા અંગે આવશ્યક સૂચનો કર્યા હતા. જીલ્લા, તાલુકાકક્ષાના અધિકારીઓ કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સતર્ક રહે એમ જણાવ્યું હતું.
જીલ્લામાં ભારે પૂર અને વરસાદને કારણે ઊભી થતી પરિસ્થિતિ સામે કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવા તેમજ માનવમૃત્યુ, પશુમૃત્યુ, ઘર અને વૃક્ષો પડવા સહિત નાનામાં નાની ઘટનાની વિગતો કંટ્રોલરૂમને તુરંત પૂરી પાડવા, રાહત બચાવની ટીમોને સજ્જ કરવા કલેક્ટરએ જણાવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટા, પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.