આગામી સીબીઆઇ ચીફ કોણ હશે? ત્રણ નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા

  • વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ આ મહિને ૨૫ મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

નવીદિલ્હી,સીબીઆઇ ડાયરેક્ટર, ચીફ વિજિલન્સ કમિશનર અને લોકપાલની નિમણૂક માટે વડાપ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, લોક્સભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી હાજર હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અધીર રંજન ચૌધરી સીબીઆઇ ડાયરેક્ટર અને ચીફ વિજિલન્સ કમિશનરની નિમણૂક માટેની ભલામણ સાથે અસંમત છે, જ્યારે કમિટીએ લોકપાલની નિમણૂક માટે નામોને શોર્ટલિસ્ટ કરવા માટે એક પેનલની રચના કરવાની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરના પદ માટે ત્રણ ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. તેમાંથી એકની પસંદગી કરવામાં આવશે.

જણાવી દઈએ કે સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ આ મહિને ૨૫ મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી આ પોસ્ટ પર હતા. તેમણે ૨૬ મે ૨૦૨૧ના રોજ CBI  ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જણાવી દઈએ કે સુબોધ કુમાર જયસ્વાલ મહારાષ્ટ્ર કેડરના ૧૯૮૫ બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પણ રહી ચૂક્યા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોક્સભામાં વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂક ૨ વર્ષ માટે કરવામાં આવે છે. સાથે જ જો ઈચ્છે તો આ કમિટી સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ ૫ વર્ષ સુધી વધારી શકે છે. આપને જણાવી દઈએ કે નવા સીબીઆઈ ચીફ માટે કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાનું નામ મોખરે છે.