આગામી છઠ્ઠી તારીખના રોજ ટીમ ઇન્ડિયા રાજકોટના હોટલ સયાજી ખાતે આવી પહોંચશે,

  • કાઠીયાવાડી પરંપરા મુજબ ગરબા વડે તેમનું સ્વાગત પણ કરવામાં આવશે.

રાજકોટ,

ટીમ ઇન્ડિયા અને ટીમ શ્રીલંકા વચ્ચે ૩ ટી-ટ્વેન્ટી મેચની શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આ શ્રેણીનો અંતિમ મેચ આગામી સાતમી તારીખના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવવા જઈ રહી છે. જે અંતર્ગત આગામી છઠ્ઠી તારીખના રોજ ટીમ ઇન્ડિયા રાજકોટના હોટલ સયાજી ખાતે આવી પહોંચશે.

આગામી સાતમી તારીખના રોજ રાજકોટ શહેરના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયા અને ટીમ શ્રીલંકા વચ્ચે ટી-ટ્વેન્ટી મેચ રમાવવા જઈ રહી છે, ત્યારે રાજકોટ ખાતે રમાનાર મેચને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોટલ સયાજીના ઉર્વેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે સ્ટે કરવાની છે, ત્યાં તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આગામી છઠ્ઠી તારીખના રોજ ટીમ ઇન્ડિયા જ્યારે રાજકોટ એરપોર્ટથી સયાજી હોટલ ખાતે પહોંચશે, ત્યાં રેડ કાર્પેટ પર ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાના સ્વાગતમાં કુમકુમ તિલક વડે દરેક ખેલાડીઓને વેલકમ કરવામાં આવશે. સાથે-સાથે બુકે પણ આપવામાં આવશે. કાઠીયાવાડી પરંપરા મુજબ ગરબા વડે તેમનું સ્વાગત પણ કરવામાં આવશે.

હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને ૭૦ જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે, ત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાદક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની વિશિષ્ટતાની વાત કરીએ તો, તેમાં ૪૦ ઈન્ટરનેટ સ્પીડ ( મતલબ કે દોઢ મિનિટમાં હાઈ ક્વોલિટી મુવી ડાઉનલોડ કરી શકાય ), જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. છઠ્ઠી તારીખના રોજ ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ છઠ્ઠી તારીખના રોજ ડિનર અને સાતમી તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. હોટલ બહાર અત્યારથી જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના વેલકમ કરતાં કટ આઉટ્સ લગાવી દેવામાં આવ્યા છે.