પણજી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે આગામી પાંચથી છ વર્ષમાં ભારતમાં ઉર્જા ક્ષેત્રમાં લગભગ ૬૭ અબજ યુએસ ડોલરનું રોકાણ થશે. વડા પ્રધાને તેમના સંબોધનમાં વૈશ્વિક રોકાણકારોને ભારતની વિકાસગાથાનો ભાગ બનવાનું આમંત્રણ પણ આપ્યું હતું. પીએમ મોદીએ મંગળવારે ગોવામાં ઈન્ડિયા એનર્જી વીકની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ૭.૫ ટકાના દરે વિકાસ કરી રહી છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિક્સતું અર્થતંત્ર છે અને તાજેતરમાં જ આગાહી કરી છે કે આપણે એ જ ગતિએ વિકાસ કરીશું. દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે વૈશ્વિક કંપનીઓને ભારતના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં ભાગ લેવા આમંત્રણ આપતાં કહ્યું કે ’દેશને તેની રિફાઇનિંગ ક્ષમતા ૨૫૪ એમએમટીપીએ (વાર્ષિક મિલિયન મેટ્રિક ટન) થી વધારીને ૨૦૩૦ સુધીમાં ૪૫૦ એમએમટીપીએ કરવાની આશા છે.’
વડાપ્રધાને કહ્યું કે ’ભારત ઊર્જા ક્ષેત્રમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે જે પહેલાં ક્યારેય થયું નથી. આગામી પાંચ-છ વર્ષમાં ભારતમાં ઉર્જા ક્ષેત્રમાં ઇં૬૭ બિલિયનનું રોકાણ થવાનું છે. વડા પ્રધાને કહ્યું, ’ઉર્જાની વધતી જતી જરૂરિયાતો વચ્ચે, ભારતમાં દરેકને સસ્તી ઊર્જા પૂરી પાડવામાં આવી રહી છે. ભારત એક એવો દેશ છે જ્યાં અનેક વૈશ્વિક ઘટનાઓ છતાં છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત ક્રૂડ ઓઈલ અને એલપીજીનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે અને એલએનજીનો ચોથો સૌથી મોટો આયાતકાર છે. ભારત ૨૦૩૦ સુધીમાં તેના ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો વધારીને ૧૫ ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ અંગે તેમણે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં તે ૧.૫ ટકાથી વધીને ૧૨ ટકા થઈ ગયું છે. ૨૦૨૫ સુધીમાં તે વધીને ૨૦ ટકા થશે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો માત્ર ચાર ટકા છે અને ૨૦૭૦ સુધીમાં ’નેટ ઝીરો’ હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ’નેટ ઝીરો’નો અર્થ એ છે કે કોઈ દેશ વાતાવરણમાં કેટલા કાર્બન આધારિત ગ્રીનહાઉસ વાયુઓ ઉત્સર્જન કરી રહ્યો છે, તે તેમને સમાન રીતે શોષી રહ્યો છે અને દૂર કરી રહ્યો છે. નેટ ઝીરો એટલે કે ૨૦૭૦ સુધીમાં વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું ભારતનું યોગદાન નહિવત હોવું જોઈએ. વડા પ્રધાને જણાવ્યું હતું કે એક કરોડ ઘરો પર ’સોલર રૂફટોપ’ સ્થાપિત કરવાની તાજેતરમાં જાહેર કરેલી યોજનામાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળીને ગ્રીડ સાથે જોડવામાં આવશે.