આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ ગયું છે, જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

આજે રાત્રે ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાત્રે પણ અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, મહીસાગર, ભરૂચ, પંચમહાલ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડવાની પુરી શક્યતા છે

ક્યાં અને ક્યારે ધોધમાર વરસાદ પડશે?

વરસાદની આગાહી માટે જાણીતા પરેશ ગોસ્વામીએ પણ વરસાદ અંગે આગાહી કરતા ન્યુઝ18ને જણાવ્યું કે, આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, વ્યારા, બરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ વરસાદ ધોધમાર રહેશે. તો સોમવારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર સહિત કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહી છે.

રાજ્યમાં વરસાદની હેલી રહી શકે છે, પુરો મહિનો

તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેને પગલે રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર સર્જાય તેવો વરસાદ વરસી શકે છે. જેને પગલે જે ખેડૂતોએ વાવણી કરી દીધી છે. તેમના માટે આનંદના સમાચાર છે. આ વરસાદની સિસ્ટમ એક લાંબી હેલીની જોવા મળી શકે છે. એટલે કે, જુલાઈ મહિનો પુરો મેઘરાજા મનમુકીને વરસશે. જ્યાં સિસ્ટમ સ્થિર થશે ત્યાં મેઘતાંડવ પણ જોવા મળી શકે છે.

ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોટા ભાગના તમામ વિસ્તારમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ, વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ, સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતોને રાહત મળી છે. આ સિવાય પુરો મહિનો વરસાદ રહેવાની આગાહીથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરંતુ, જે લોકોએ હજુ સુધી વાવેતર નથી કર્યું તે લોકો વરાસદ થયાના બે દિવસની ગેપ રાખી જ્યારે વરસાદ શાંત પડે ત્યારે વાવણી જરૂરથી કરી દે તેવી સલાહ પણ આપવામાં આવી રહી છે. સમયસર ફરી એકવાર ચોમાસુ સક્રિય થઈ જતા, વાવણી કરેલ પાકને જીવતદાન જરૂરથી મળશે.