અફઘાનિસ્તાનમાં તાલિબાને કરેલા કબજા બાદ તાલિબાન આટલા શક્તિશાળી કેમ બન્યા. અને તાલિબાનની રફતાર કેમ આટલી વધી તેના માટે જો કોઈ જવાબદાર હોય તો એ જગત જમાદાર અમેરિકા છે
અમેરિકાએ 20 વર્ષ બાદ પોતાની સેનાને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવ્યા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું જોર વધ્યુ. તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં અમેરિકા ફેલ નથી થયુ. અફઘાનિસ્તાનની સ્થિતિ માટે રાષ્ટ્રપતિ ગની જવાબદાર છે. તેમણે હથિયાર ઉપાડ્યા વગર દેશ છોડવાનો નિર્ણય લીધો. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહી અફઘાની સેનાને ટ્રેનિંગ આપી અને અમેરિકાએ આધુનિક હથિયાર પણ આપ્યા. અમેરિકાન સેનાની વાપસી બાદ આ હથિયાર પર તાલિબાને કબજો પણ કર્યો. આ હથિયારનો જખીરો એટલો છે કે, અફઘાન સેના સામેની લડાઈમાં તાલિબાનનું પલડું ભારે રહ્યુ. આ હથિયારમાં ટેન્કથી લઈ બખ્તરબંધ ગાડીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તોપ, હેલિકોપ્ટર, રાઇફલ અને આધુનિક હથિયાર તાલિબાનના હાથમાં આવી ગયા.
મળતી માહિતી પ્રમાણે તાલિબાન પાસે 44 દમદાર ટેન્ક, 1,016 બખ્તર બંધ ગાડી, 775 તોપ, લેન્ડમાઈનથી બચવા માટે 20 જેટલા વાહન હાથ લાગ્યા છે. તાલિબાનના હાથમાં જે તોપ આવી છે તેમા અમેરિકાની US 155mm M114A1 howitzer તોપનો સમાવેશ થાય છે. અમેરિકાએ અફઘાનિસ્તાનને આવી 24 તોપ આપી હતી. હવે તાલિબાનને અમેરિકાની માઈન પ્રોટેક્ટ ગાડીઓ પણ મળી છે. એક અંદાજ પ્રમાણે અફઘાન નેશનલ આર્મીને અમેરિકાએ આશરે 3 લાખ જેટલા હથિયાર આપ્યા હતા. અને અમેરિકાની સેના પરત જતાની સાથે આ હથિયાર તાલિબાનની જોળીમાં ગયા છે. જે હથિયાર તાલિબાન પાસે નહોતા એ હથિયાર હવે તાલિબાન પાસે આવી ગયા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ અફઘાનિસ્તાનની પોલીસ અને સેના પાછળ આશરે 83 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. તેમ છતાં તાલિબાન સામે અફઘાનિસ્તાનની સેના પસ્ત થઈ છે. આટલું જ નહીં જે અમેરિકાની સેના તાલિબાન સામે યુદ્ધના મેદાને ઉતરી હતી. એ સેનાના હથિયારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો.