
- દાહોદ જીલ્લાના પ્રભારી મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ.
- શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોર અને મહાનુભાવોના હસ્તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોના પાંચ ઉમેદવારોને ભલામણ પત્રો એનાયત કરાયા.
દાહોદ જીલ્લાના પ્રભારી મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. મંત્રીએ જીલ્લાના તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જીલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. જીલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી એ જીલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે મંત્રીને વિસ્તારે માહીતી આપી હતી.
બેઠકમાં મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું કે, દાહોદ જીલ્લાને વિકાસની નવી ઊંચાઇએ લઇ જવા માટે સર્વે લોકપ્રતિનિધિ અને અધિકારીઓએ એક ટીમ બનાવીને કામગીરી કરવી જોઇએ. જીલ્લાના તમામ વિસ્તારોનો સર્વાગી વિકાસ થાય, જીલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટેના કામો ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય એ માટે સૌના સહિયારા અને સઘન પ્રયાસોની જરૂર છે. આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધ છે આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કોઇ બજેટકાપ મૂકવામાં આવ્યો નથી.વધુમાં શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોર અને મહાનુભાવોના હસ્તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોના પાંચ ઉમેદવારોને ભલામણ પત્રો એનાયત કરાયા
બેઠકમાં જીલ્લામાં જનહિતને લગતા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જીલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઇ હતી.
બેઠકમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી અને જનહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોકપ્રશ્ર્નોનો સકારાત્મક નિકાલ લાવવા સૂચના આપી હતી. સાંસદ જશવંતસિંહ ભાભોરે કેન્દ્ર અને રાજ્ય સરકારની આદિજાતિ વિસ્તારમાં વિકાસના કામો ઝડપથી થાય એ માટે સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટર યોગેશ નિરગુડે એ જીલ્લાના વિકાસ કાર્યો બાબતે મંત્રીને માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય સર્વ કનૈયાલાલ કિશોરી , રમેશભાઇ કટારા, મહેશભાઈ ભુરીયા, શૈલેષભાઇ ભાભોર, મહેન્દ્રભાઇ ભાભોર જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,જીલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, જીલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, તમામ પ્રાંત અધિકારી ઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.