આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર સાવિત્રીબાઈ ફૂલેની 192મી જન્મજયંતીની ઉજવણી

સંતરામપુર, તા-3/1/2024 ના રોજ સંતરામપુરની આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રખર સમાજ સુધારક અને મહાત્મા જ્યોતિબા ફુલેના ધર્મ પત્ની, ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા, કવયિત્રી સાવિત્રી બાઈ ફૂલની 192મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. અમૃત ઠાકોર દ્રારા માતા સાવિત્રી બાઈ ફુલેના જીવન અને કાર્ય થી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પરિચિત કરાવ્યા હતા.ડો. ઠાકોરે જણાવ્યું હતું કે, 19મી સદીના રૂઢિચુસ્ત સામાજીક વાતાવરણમાં ફૂલે દંપતીએ 1848માં પ્રથમ ક્ધયા શાળા શરૂ કરી. એ જમાનામાં શિક્ષિકાતો મળવી મુશ્કેલ હતી તો સાવિત્રી બાઈ પોતે પતિ પાસે શિક્ષણ મેળવી પોતેજ શાળામાં ભણાવવા જતા.આવા સમયે રૂઢિચુસ્ત લોકો તેમના ઉપર કીચડ ઉછાળતા, પરેશાન કરતા.તેમ છતાં નિર્ભય બનીને તેમણે શિક્ષણનું કાર્ય ચાલુ રાખ્યું. આ શાળામાં શૂદ્ર અને પછાત વર્ગની બાળાઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવતું. ફૂલે દંપતી એ આવી કુલ 18 શાળાઓ શરૂ કરી હતી.

એ જમાનામાં વિધવાઓની સ્થિતિ ખુબજ દયનિય હતી. ફૂલે દંપતીએ પોતાના ઘરેજ વિધવાઓ માટે આશ્રયસ્થાન બનાવ્યું. અનાથ બાળકો માટે અનાથાશ્રમ બનાવ્યા, તેમાં અનાથ બાળકોને આશ્રય આપ્યો. દલિતો અને અછૂતને તો પશુથીય બદતર જીવન જીવવું પડતું હતું. આવા સમયે ફૂલે દંપતીએ અછૂતો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી. માગ અને મહાર જેવી અછૂત ગણાતી કોમોના બાળકોને શાળાઓમાં પ્રવેશ આપ્યો. ખરેખર સાવિત્રી બાઈ અર્વાચીન યુગના માતા સરસ્વતી હતા.

આ પ્રસંગે કોલેજ પ્રિ. ડો અભય પરમાર, કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન ડો. પંકજ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.