સંતરામપુર, વિદ્યાર્થી યુનિયનના પ્રતિનિધિઓની વરણી. આજરોજ વર્ષ 2023/ 24 માટે કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓની મેરીટના આધારે વરણી કરવામાં આવી. સેમેસ્ટર 1 માટે ધોરણ 12 ના પરિણામને આધારે, સેમેસ્ટર 3 માટે સેમેસ્ટર 2ના પરિણામને આધારે તેમજ સેમેસ્ટર 5 માટે સેમેસ્ટર 4 ના પરિણામ ના આધારે વિદ્યાર્થી પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી. સેમેસ્ટર પાંચ માંથી સૌથી વધારે માર્ક્સ મેળવનાર ડામોર રાઘવ બાબુભાઈની જનરલ સેક્રેટરી (GS)તરીકે પસંદગી કરવામાં આવી. લબાના સત્યમ નહેરૂભાઈને મદદનીશ જીએસ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની પ્રતિનિધી(LR) તરીકે સેમેસ્ટર ચારમાં સૌથી વધારે માર્ક્સ ધરાવનાર માખીજા પ્રિયાબેન દિલીપભાઈની વરણી કરવામાં આવી, તેમજ ડેપ્યુટી એલઆર તરીકે ભોઈ હેતલબેન અરવિંદભાઈની વરણી કરવામાં આવી. આ સાથે ત્રણેય સેમેસ્ટરના દરેક વિષયના ક્લાસ રીપ્રેજન્ટેટિવ (સી.આર)ની પણ પસંદગી કરવામાં આવી હતી. પ્રિન્સીપાલ ડો. અભય પરમારે પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ફુલહાર પહેરાવી અભિનંદન આપ્યા હતા. તેમજ વિદ્યાર્થી યુનિયન કમિટીના સભ્યો સર્વ ડોક્ટર શંકરભાઈ પ્રજાપતિ, ડો માલીની ગૌતમ, ડો.અમૃત ઠાકોર તેમજ ડોક્ટર કામિની દશોરાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આજના દિવસને આનંદ ઉત્સવથી વધાવ્યો હતો. કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિનિધિઓને ખભે બેસાડીને ટીમલી નૃત્ય કર્યુ હતું અને ઉત્સવ મનાવ્યો હતો. કોલેજ કેમ્પસ પુષ્પો અને ગુલાલના રંગોથી રંગાઈ ગયું હતું.