અલ્હાબાદ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફિલ્મના નિર્માતા આદિપુરુષ ભૂષણ કુમાર, નિર્દેશક ઓમ રાઉત અને ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરને વધુ સુનાવણી માટે સમન્સ પાઠવ્યા છે. કોર્ટના આદેશ મુજબ સુનાવણીના બીજા દિવસે ત્રણેયને હાઈકોર્ટમાં હાજર રહેવાનું રહેશે. ૩ દિવસની સુનાવણી બાદ હવે આગામી સુનાવણી ૬ જુલાઈના રોજ થશે.
હાઈકોર્ટે આપેલો આદેશ ૧૧ પાનાનો છે. આ આદેશમાં જસ્ટિસ રાજેશ ચૌહાણ અને જસ્ટિસ પ્રકાશ સિંહે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને અન્ય સંબંધિતોને એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આદિપુરુષના નિર્માતાઓને ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં કોર્ટે સીબીએફસીને ફિલ્મને પાસ કરવાની મંજૂરી આપવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે આ સમગ્ર મામલામાં એમ પણ કહ્યું હતું કે, આ ફિલ્મ હિન્દુ સમુદાયની સહનશીલતાની પરીક્ષા કરી રહી છે.
પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોએ ફિલ્મના ડાયલોગ પર વાંધો ઉઠાવ્યો છે. જો કે ફિલ્મના લેખક મનોજ મુન્તાશીરે લોકોનો ગુસ્સો જોઈને ફિલ્મમાંથી વાંધાજનક સંવાદો બદલી નાખ્યા હતા, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.
ફિલ્મ પહેલા ટીઝરને પણ દર્શકોએ ખૂબ ટ્રોલ કર્યું હતું. લોકોની પ્રતિક્રિયા જોયા બાદ ૬ મહિના સુધી ફિલ્મ પર ફરીથી કામ કરવામાં આવ્યું પરંતુ હજુ પણ લોકોને આ ફિલ્મ બિલકુલ પસંદ નથી આવી રહી.