આદિપુરમાં દીકરીનાં મોતના આઘાતથી માતાએ પણ એસિડ પી જીવન ટુંકાવ્યું; સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી

ભુજ, આદિપુરના વોર્ડ ૧-એ વિસ્તારમાં મહેક નામની કિશોરીએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. તેના આઘાતમાં આ કિશોરીની માતા ગૌરીબેન વેરશી મહેશ્ર્વરી (ઉ.વ. ૩૫)એ પણ એસિડ પી લઇ મોતની સોડ તાણતાં ભારે અરેરાટી પ્રસરી હતી.

આદિપુરના મધ્યમ વર્ગીય એવા ૧-એ વિસ્તારમાં પુત્રી અને માતાનાં મોતથી ભારે ગમગીની પ્રસરી હતી. અહીંના મકાન નંબર ૨૫૧મા રહેનાર મહેક મહેશ્ર્વરી નામની કિશોરી ગત તા. ૨૩/૦૬/૨૦૨૩ના સાંજના પોતાનાં ઘરે હતી. દરમિયાન અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. કિશોર વયની દીકરીનાં મોતના આઘાતમાં સરી પડેલા તેની માતા ગઇકાલે વહેલી પરોઢે પોતાના ઘરે હતી. દરમિયાન સવારે એસિડ ઉપાડી તેમણે ગટગટાવી લીધું હતું.

ગંભીર રીતે ઘવાયેલા આ મહિલાને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે છેલ્લાશ્ર્વાસ લીધા હતા. એક દિવસના અંતરે દીકરી બાદ માતાનાં મોતથી ભારે અરેરાટી ફેલાઇ હતી. તરુણ વયની પુત્રીના અપમૃત્યુને લઈને ઉદ્ભવેલા આઘાતમાં યુવાન વયની માતાએ પણ સામેથી મોતનો માર્ગ અપનાવી લેતાં આ ઘટનાએ અરેરાટી સાથે સમગ્ર સંકુલમાં શોકની લાગણી ફેલાવી છે.