આદમખોર દીપડાએ ગીર-સોમનાથમાં બેના ભોગ લીધા, છેલ્લાં ૬ મહિનામાં ૬ ના મોત

ગીરસોમનાથ, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દીપડાના હુમલામાં બે વર્ષના બાળક સહિત ૨ લોકોનાં મોત નીપજ્યા છે. વન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે રાત્રે લગભગ ૯ વાગ્યે મટાણા ગામમાં બની હતી, જ્યારે બાળક તેના ઘરની નજીક રમી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે દીપડો રમેશ જાધવના બે વર્ષના પુત્રને ખેંચીને લઈ ગયો. રેન્જના ફોરેસ્ટ ઓફિસરોની વ્યાપક શોધખોળ બાદ બાળકનો મૃતદેહ જાધવના ઘરથી ૫૦૦ મીટર દૂર ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. અંતે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

આ ઘટના મટાણા ગામમાં બની હતી, જે વેરાવળ રેન્જ ફોરેસ્ટ એરિયા હેઠળ આવે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દીપડો બાળકને તેના ઘરથી ૫૦૦ મીટર દૂર ખેંચી ગયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ત્રણથી ચાર દીપડાઓ છે. અમે ત્રણ પાંજરા લગાવ્યા છે અને દીપડાઓને પકડવા માટે વધુ ત્રણ પાંજરા લગાવવામાં આવશે. આ જ વિસ્તારમાં ૧૦ દિવસ પહેલા ૬૫ વર્ષીય મહિલાનું દીપડાના હુમલાથી મોત નિપજ્યું હતું. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનામાં આ વિસ્તારમાં દીપડાના હુમલામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામમાં ગયા મહિને દીપડાનો ત્રાસ સામે આવ્યો હતો. ત્યારે આ વિસ્તારના સુખનાથ ચોક પાસે બે દીપડા ઘુસ્યા હતા. જેમાં એક દીપડાએ માતા-પુત્ર પર હુમલો કરી કુલ ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ માહિતી મળતા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને પકડી પાડ્યો હતો. પહેલા ઈન્જેક્શન દ્વારા શાંત અને પછી પકડવામાં આવ્યો હતો. આ દરમિયાન સુખનાથ ચોક વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડાઓથી બચવા લોકોને ધાબા પર ચઢવું પડ્યું હતું.

જોકે આદમખોર દીપડાએ રાત્રિના બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ વહેલી સવારે વૃદ્ધા પર હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હુમલાની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું છે. પરિવાર દ્વારા જ્યાં સુધી દીપડોના પકડાય ત્યાં સુધી વૃદ્ધ મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વન વિભાગ દ્વારા આદમખોર દીપડો આખરે પાંજરામાં કેદ થતાં મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આદમખોર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો હતો.