આચાર્યએ શિક્ષકને 20 ફડાકા ઝીંક્યા :જંબુસરની શાળામાં શિક્ષકોની મિટિંગમાં જ બબાલ, ખરાબ વર્તન બદલ આચાર્ય સસ્પેન્ડ

ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે. જંબુસરની શાળામાં આચાર્યએ શિક્ષકને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે. આચાર્યએ એક મિટિંગ બોલાવી હતી. જેમાં શિક્ષક અને આચાર્ય વચ્ચે બબાલ થઈ હતી. જેથી ગુસ્સામાં આવીને આચાર્યએ શિક્ષકને 20થી વધુ ફડાકા ઝીંકી ધીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ટ્રસ્ટીઓએ આચાર્યને ફરજ મોકૂફ કર્યા છે.

બાળકોને અપશબ્દો બોલતા હોવાની ફરિયાદો મળી આ અંગે મળતી માહિતી મુજબ જંબુસર શહેરની નવયુગ વિદ્યાલયમાં હિતેન્દ્રસિંહ ઠાકોર આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમની શાળામાં રાજેન્દ્રસિંહ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમને એક હાથમાં પેરાલિસિસ હોય તેઓ એક હાથથી જ બાળકોને અભ્યાસ કરાવે છે. જોકે, રાજેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ નહી કરાવતા હોય અને ક્લાસમાં ધ્યાન નહીં આપીને બાળકોને પણ અપશબ્દો બોલતા હોવાની ફરિયાદો મળી હોવાના આક્ષેપ પ્રિન્સિપાલ હિતેન્દ્રસિંહે કર્યા હતાં.

આ મામલે આચાર્યએ તેમની ચેમ્બરમાં એક મીટિંગમાં અન્ય શિક્ષકો સાથે રાજેન્દ્ર પરમારને પણ બોલાવી વાતચીત કરી હતી. જેમાં કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થતાં સમગ્ર મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આચાર્ય હિતેન્દ્રસિંહે પોતાની ખૂરશી પરથી ઊભાં થઈને રાજેન્દ્રસિંહ પર લાફા વાળી શરૂ કરી દીધી હતી. એક બે કે ત્રણ નહીં પણ 20થી વધુ ફડાકા ઝીંકી દીધા હતા. જોકે, અન્ય શિક્ષકોએ તેમને છોડાવ્યાં હતાં.

20 જેટલા ફડાકા માર્યા બાદ આચાર્ય ટેબલ પર જઈને બેસી ગયા હતા. જે બાદ પુનઃ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી આચાર્યે ફરીથી આવીને શિક્ષકને બેન્ચ પરથી નીચે પાડી દીધા હતા. જે બાદ શિક્ષકને ખેંચીને જોરદાર માર માર્યો હતો. આ મામલે જંબુસર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. પોલીસે પણ અરજી મુજબ તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં શાળાના ટ્રસ્ટીઓએ હાલમાં આચાર્યને ફરજ મોકૂફ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેઓ બંને વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે, હાલમાં જ આ ઘટનાં અમારા ધ્યાનમાં આવી છે જેની અમારા દ્વારા તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અંગે શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમારા આચાર્ય હિતેન્દ્રસિંહે મિટીંગ બોલાવી હતી. જેમાં તેમણે હું વાલીઓને ચઢાવું છું. જેથી મે કહ્યું કે મે એવું કઈ કર્યું નથી. તો તેમણે હવે તો હું શિક્ષકોને હોકીથી મારીશ તેમ કહેતાં મે તેમને આવું કરાય તેમ પુછતાં, કેમ ન કરાય હું કરી બતાવું કહીં મને મારવા લાગ્યાં હતાં. મને સાત વર્ષથી પેરાલિસીસ છે. એક જ હાથે કામ કરૂ છું. છતાં મને માર માર્યો હતો. મારા શિક્ષકોએ મને છોડાવ્યો હતો. ત્યારબાદ મે તેમને આ પ્રકારે મારવામાં આવ્યાં હોઈ તે બાબને મંડળમાં રજૂઆત કરવાનું કહેતા તેઓએ પુન: ઉશ્કેરાઇ મારો પગ ખેંચી નીચે પાડી આડેધડ મારવા લાગ્યાં હતાં.

આ અંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, મારી શાળાનો જે વીડિયો વાઈરલ થયો છે તે જે દ્રષ્ટીએ દેખાય છે તે વિપરીત છે. છેલ્લાં દશેક વર્ષથી શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર તેમની ફરજ પર નિષ્ઠાનો અભાવ હતો. જેની મંડળે નોંધ લઈને લેખિત ઠપકા પણ આપ્યાં છે. એમના ઉચ્ચતર પગાર પણ રોકવામાં આવ્યાં છે. તેમના વિરુદ્ધ ડીઇઓ કચેરીમાં રજૂઆત થઇ છે. વાલી મિટીંગમાં વાલીઓએ તેમની ભણાવવાની પ્રણાલી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. વર્ગ ખંડમાં બાળકોને અપશબ્દો બોલે છે. શાળામાં આ વર્ષે 103 વિદ્યાર્થીઓ પૈકી 73 તેમના વિષયમાં નાપાસ થયાં છે. ગત વર્ષે પણ 45 છાત્રો નાપાસ થયાં છે. તેઓ હર વખતે મારૂ અપમાન કરે છે, ધૂતકારે છે. શાળાના વડા તરીકે કેવી રીતે વાત કરવી તે અંગે તેમને વિવેક નથી. ગત મિટિંગમાં પણ તેઓએ તુકારાથી વાત કરી, થાય તે કરી લે તેમ કહીં મને ઉશ્કેર્યાં હતાં. જેથી મને ગુસ્સો આવતા અમારી બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી.