- પંચમહાલમાં આચારસંહિતાના ભંગની ફરિયાદોનું તત્કાલ નિરાકરણ કરતી સિ-વિજિલ ટીમ,અત્યાર સુધી 47 ફરિયાદોનું તત્કાલ કરાયું નિરાકરણ
- કોઈપણ નાગરિક મોબાઈલમાં સી-વિજિલ ઍપ ડાઉનલોડ કરી આચારસંહિતાના ઉલ્લંઘન,ચૂંટણી દરમિયાન ધાક-ધમકી કે પ્રલોભનો સહિતના અનૈતિક આચરણ અંગે પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકે છે
ગોધરા, દેશભરમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે દરેક જિલ્લામાં પણ વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્ર આગામી ચૂંટણી માટે કાર્યરત બન્યું છે. આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા મત આપવા માટે સજ્જ બને તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ મોબાઈલ એપ્લિકેશન તેમજ વેબ પોર્ટલના માધ્યમથી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઈ છે.
પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી આશિષ કુમારના વડપણ હેઠળ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે. આચારસંહિતાનો ભંગ થાય કે તેને લગતી ફરિયાદો સરળતાથી નોંધી શકાય તે માટે જિલ્લામાં સિ-વિજિલ(ભ-દશલશહ) મોબાઈલ એપ અને વેબ પોર્ટલ શરૂ કરાયું છે. જેના થકી કોઈપણ નાગરીક આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન, ચૂંટણીઓ દરમિયાન ધાક-ધમકી કે પ્રલોભનો સહિતના અનૈતિક આચરણ અંગે પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં મતદાર દ્વારા ફોટો કે વીડિયો સાથે પુરાવા લઈને ફરિયાદની તમામ વિગતો શેર કરી શકાય છે. પુરાવા લીધાની 15 મીનિટમાં વિગતો મોકલવાની રહેશે જેથી એપ પર મળેલી ફરિયાદોનો ચૂંટણી તંત્ર ગણતરીની મિનિટમાં યોગ્ય નિકાલ કરી શકે. આ એપ પર કોઈપણ નાગરીક 24 કલાક ફરિયાદ નોંધાવી શકે છે. તેના માટે જિલ્લા ચૂંટણી કચેરીમાં સ્ટાફ 24 કલાક ફરજ બજાવે છે. આ દરમિયાન હાલ સુધીમાં પંચમહાલ જિલ્લામાં આચારસંહિતાના ભંગની 47 ફરિયાદ નોંધાઈ છે. જેનું તત્કાલ નિરાકરણ પણ કરવામાં આવ્યું છે. સિ-વિજિલ એપનું મહત્વ એ ફરિયાદના નિકાલ માટેની સમયમર્યાદા છે. કારણ કે તેના પર મળેલી ફરિયાદોનો ચૂંટણી તંત્ર દ્વારા માત્ર 100 મિનિટમાં યોગ્ય નિકાલ કરવામાં આવે છે. ચૂંટણી પંચની ફલાઈંગ સ્ક્વોડ માત્ર 15 મિનિટની અંદર જ એપ પર આવેલી જે-તે ફરિયાદ નોંધીને સંબંધિત તંત્રને તેની જાણ કરે છે. ત્યારપછીની 30 મિનિટમાં પ્રારંભિક તપાસ પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારપછીની 50 મિનિટમાં સક્ષમ અધિકારી દ્વારા કેસનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. આમ, તબક્કાવાર અને વળી ઍપ થકી ફરિયાદ મળવાના કારણે ફરિયાદ સંબંધી સંપૂર્ણ પ્રક્રિયા પેપરલેસ છે.ખાસ તો આ એપ પર ફરિયાદ કરનાર ફરિયાદીનું નામ અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ચૂંટણી તંત્રએ ફરિયાદીની સુરક્ષાને લઈને ખાસ તકેદારી વર્તી છે. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા સમય મુજબ સિ-વિજિલ એપ પર જેટલી ફરિયાદ આવશે તેને કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલરૂમમાં મોકલવામાં આવશે. ત્યાં ફરજ પરનાં અધિકારીઓ આ ફરિયાદ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરશે. જે મુજબ જે-તે ફરિયાદનું નિવારણ કરીને યોગ્ય જવાબ આ એપ્લિકેશનમાં ફરિયાદીની આઈડીમાં અપલોડ કરવામાં આવશે.