આબુથી રિક્ષામાં અમદાવાદ લઇ જવામાં આવતો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

અમદાવાદ,ગુજરાતમાં દારૃબંધી છે તેમ છતા રાજસ્થાનથી દારૃ ઘુસાડીને ગુજરાતમાં બેફામ દારૃનો વેપલો કરવામાં આવે છે ત્યારે રાજસ્થાનથી મેટ્રોસીટીને જોડતા માર્ગો ઉપર પોલીસ દ્વારા ખાસ તપાસ કરીને બુટલેગરોને પકડવા માટેના પ્લાન બનાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તાજેતરમાં આબુથી રિક્ષામાં અમદાવાદ લઇ જવામાં આવતો વિદેશી દારૃનો જથ્થો શેરથા ટોલટેક્ષ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં ત્રણ બુટલેગરોને પકડવામાં પણ પોલીસને સફળતા મળી છે.

અડાલજ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી અને શેરથા ટોલટેક્ષ પાસે વાહનોનુ ચેકીંગ પણ કરવામાં આવી રહ્યુ હતુ. ત્યારે કલોલ તરફથી એક રિક્ષાને ઉભી રાખીને તેમાં તપાસ કરતા સ્પિકર લગાવેલી ડેકીમાંથી વિદેશી દારૃના ૧૮૮ નંગ ક્વાટરીયા મળી આવ્યા હતા. જેથી પોલીસે રૃપિયા ૧૬ હજારથી વધુની મત્તાનો આ દારૃ જપ્ત કરી લીધો હતો અને રિક્ષાચાલક જગદીશ દીપકભાઇ યાદવ રહે, લાભાર્થ સોસાયટી, ઉત્તમનગર, નિકોલ ઉપરાંત પાછળ બેઠેલા સંજય ગણપતભાઇ રહે, નર્મદા આવાસ યોજના, ઓઢવ અને મયુર મનસુખભાઇ નાડીયા રહે, ભવાનીનગર ટેકરો, ઓઢવની ધરપકડ કરી લીધી હતી.રિક્ષામાં દારૃ ક્યાંથી લાવ્યા તે અંગે પુછપરછ કરતા તે દારૃ આબુરોડથી લાવ્યા હોવાનું અને અમદાવાદમાં છુટક વેચાણ કરતા હોવાનું કબુલ્યું હતું.પોલીસે કુલ ૭૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કરીને આ ત્રણ બુટલેગરો સામે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.