
આબુરોડ,આબુરોડ પર તુફાન અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે ટેમ્પામાં સવાર ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને આબુરોડ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો. ચંદ્રવતી પાસે તુફાન અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી. જે બાદ રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ રાજસ્થાન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસ દ્વારા રાહદારીઓની મદદથી તુફાનમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ૧૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને આબુરોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ રાજસ્થાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.