આવા વ્યવહાર પર શરમ આવે છે કે મહિલા સાથે બળજબરી કરવામાં આવી,વિભવ કુમારને ફટકાર

આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે મુખ્યમંત્રી કેજરીવાલના પીએ વિભવ કુમારની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વ્યવહાર પર શરમ આવે છે કે મહિલા સાથે બળજબરી કરવામાં આવી.

સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા ધરાવતી બેન્ચ સામે સુનાવણી દરમિયાન કોર્ટે વિભવ કુમારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, શું સીએમ આવાસ ગુંડા રાખવા માટે છે? વિભવ કુમારે ગુંડાની જેમ કામ કર્યું અને મુખ્યમંત્રીના ઓફિશિયલ ઘરમાં ઘુસ્યો હતો, તેને ત્યારે પણ મહિલા પર હુમલો કર્યો જ્યારે તેને પોતાની શારીરિક સ્થિતિ જણાવી હતી. કોર્ટે પૂછ્યુ કે એક મહિલા પર હુમલો કરતા શું તેને શરમ ના આવી?

અભિષેક મનુ સિંઘવીએ વિભવ તરફથી દલીલ રજૂ કરતા કહ્યું કે, એફઆઇઆર ત્રણ દિવસ બાદ નોંધવામાં આવી હતી. માલીવાલ પોલીસ સ્ટેશને ગઇ પરંતુ ફરિયાદ વગર પરત ફરી હતી. કોર્ટે ચાર્જશીટ વિશે પૂછ્યું તો અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જે આદેશને અમે પડકાર્યો હતો તે બાદ ચાર્જશીટ દાખલ થઇ છે.

સિંઘવીએ હત્યાના બે કેસમાં આરોપીને જામીન મળવાનો હવાલો આપ્યો તો જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, ’અમને આ કેસનો હવાલો ના આપો, કારણ કે અહીં કઇ રીતે ઘટનાક્રમ થયો તે અમારી ચિંતાનું કારમ છે. તમને એક મહિલા સાથે આવો વ્યવહાર કરતા શરમ નથી આવી? અમે કોન્ટ્રાક્ટ કિલર, હત્યારાને પણ જામીન આપીએ છીએ પરંતુ આ ઘટનામાં કઇ રીતની નૈતિક દ્રઢતા છે?’

સિંઘવીએ કહ્યું કે પ્રથમ દિવસે તે (પોલીસ પાસે) ગયા પણ કોઇ ફરિયાદ કરી નહતી પરંતુ પછી ત્રણ દિવસ બાદ ફરિયાદ નોંધાવી. જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે શું માલીવાલે ૧૧૨ પર કોલ કર્યો? જો હાં તો તમારા દાવા ખોટા સાબિત કરે છે કે તેને ખોટી વાર્તા રચી. સિંઘવીએ માન્યુ કે તે મુખ્યમંત્રી આવાસ પર ગયા હતા. કોર્ટે કડક વલણ અપનાવતા દિલ્હી પોલીસને નોટિસ ફટકારી વિભવની જામીન અરજી પર જવાબ માંગ્યો છે. આ કેસની વધુ સુનાવણી ૭ ઓગસ્ટે થશે.

અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર પર છછઁના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર ૧૩ મેએ મુખ્યમંત્રી આવાસ પર મારપીટનો આરોપ છે. સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે દિલ્હી પોલીસે ૧૬ મેએ ફરિયાદ નોંધી હતી.

સ્વાતિએ દાવો કર્યો હતો કે તે કેજરીવાલને મળવા તેમના ઘરે ગયા હતા. ત્યા વિભવે તેમને મુખ્યમંત્રીને મળતા રોક્યા હતા અને મારપીટ કરી હતી. વિભવે ૭-૮ થપ્પડ મારી હતી. પેટ અને પ્રાઇવેટ પાર્ટ પર લાત મારી હતી અને તે બાદ તેના શર્ટનું બટન તૂટી ગયું હતું.માલીવાલ અનુસાર, તેના કપડા ખુલી ગયા હતા પરંતુ વિભવે મારવાનું છોડ્યું નહતું. વિભવે તેનું માથુ ટેબલ પર પટક્યું હતું. કેજરીવાલ ઘરે જ હતા પરંતુ છતાં પણ કોઇ મદદ માટે આવ્યા નહતા.