અમદાવાદ,
ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરાઈ છે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. એવામાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી કરી છે. જે દિવસ દરમિયાન એવરેજ ૮-૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે હજુ ૪૮ કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરી છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ર્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે. તો તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગરસિયાઓને મજા પડશે.
ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેલી છે. એટલે ઈશાન ખૂણે પવન રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર સુધી ૧૦થી ૧૨ કિમીની ઝડપે પવન ફૂંકાશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે.
વાસી ઉત્તરાયણ તા. ૧૫મી જાન્યુઆરીના દિવસે પવન ૧૦થી ૧૨ કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન ધીમો પડશે. રાતે પવનની ગતિ ફરી વધશે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.