આવતા મહિને શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ વર્ષની ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં ૩૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારોની યાદીમાં ત્રણ લઘુમતી તમિલ અને એક બૌદ્ધ સાધુના નામ પણ સામેલ છે. ચૂંટણી પંચે ગુરુવારે કહ્યું કે ૨૧ સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે એક રસપ્રદ તથ્ય એ છે કે ૩૯ ઉમેદવારોમાં એક પણ મહિલા નથી. ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં ૩૫ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. અગાઉ ઓક્ટોબર ૧૯૮૨માં યોજાયેલી દેશની પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર છ ઉમેદવારોએ જ નોંધણી કરાવી હતી.
નોંધનીય છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણી ૨૦૨૪ માટે નોમિનેશન ભરવાનો છેલ્લો દિવસ ૧૪ ઓગસ્ટ ગુરુવાર હતો. સમય પૂરો થયા પછી, દેશના ચૂંટણી પંચે કહ્યું કે કુલ ૪૦ ઉમેદવારોએ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવી છે, પરંતુ તેમાંથી એકે નામાંકન ન ભરવાનો નિર્ણય કર્યો. આ સ્થિતિમાં કુલ ૩૯ ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચના વડા આરએમએએલ રથનાયકેએ જણાવ્યું હતું કે ત્રણ ઉમેદવારો સામે વાંધો નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ સમીક્ષા પછી પંચે વાંધાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધા હતા.