નવીદિલ્હી, આ વર્ષે હોળીની આસપાસ ઉત્તર અને મધ્ય ભારતનાં તમામ રાજ્યોમાં હીટવેવ (લૂ)નો કેર વર્તાશે. તેનાં બે કારણો છે – હોળી આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહ (૨૫ માર્ચ)માં છે અને દક્ષિણ ભારતમાં તાપમાનમાં વધારો બે સપ્તાહ પહેલાં જ ફેબ્રુઆરીની શરૂઆતથી જ થયો છે. સ્થિતિ એ છે કે દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોથી મહારાષ્ટ્ર અને ઓડિશા સુધી દિવસનું તાપમાન ૪-૬ ડિગ્રી સુધી વધુ એટલે કે ૩૩ ડિગ્રીથી ઉપર નોંધાયું છે. આ ટ્રેન્ડ આ વખતે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી જ જોવા મળ્યો છે, જે ગત બે વર્ષમાં ત્રીજા સપ્તાહમાં શરૂ થયો હતો. હવામાન વિજ્ઞાનીઓ અનુસાર છેલ્લાં બે વર્ષથી ઉત્તર અને મય ભારતનાં રાજ્યોમાં પ્રી-મોનસૂન સિઝનમાં તાપમાન વધવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહેશે.
આઇએમડીના પૂર્વ ડાયરેક્ટર જનરલ કે.જે. રમેશના મતે આપણે હવામાન ચક્રના એવા દોરમાંથી પસાર થઇ રહ્યા છીએ જ્યાં શિયાળો પૂરો થતાં જ વસંત વગર (ન ઠંડી, ન ગરમી) સીધી જ આકરી ગરમી પડવા લાગે છે. અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગર જ નહીં, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બંનેની સપાટીનું તાપમાન છેલ્લાં એક વર્ષથી સામાન્યની તુલનામાં વધુ છે. આઇઆઇટીએમ, પૂણેના વિજ્ઞાની રૉક્સી મેથ્યુ કોલ અનુસાર અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગરમાં સપાટીનું તાપમાન સપ્ટેમ્બર ૨૦૨૩થી અત્યાર સુધી વયું છે. તે ચિંતાનો વિષય છે.
જાન્યુઆરી સુધી ૨૧ વખત હવામાન વિભાગ અનુસાર સામાન્ય રીતે ઑક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે અને તેની સક્રિયતાથી પહાડો પર હિમવર્ષા તેમજ ઉત્તરથી લઇને મય ભારત સુધી મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થાય છે.જોકે આ વખતે ઑક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે જ ૨૧ વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું. તેમાંથી માત્ર ૪ સક્રિય હતાં અને તેને કારણે ઉત્તર ભારત ઉપરાંત મધ્ય ભારતમાં પણ વરસાદ પડ્યો હતો.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (સીએસઇ)ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લાં ૪૫ વર્ષમાં સતત ૫૪૦ મહિનામાં એક પણ મહિનો એવો પસાર થયો નથી જ્યારે મોસમમાં કોઇ અસામાન્ય ફેરફાર ન થયો હોય. ૨૦૨૩ દરમિયાન જ ૩૬૫ દિવસમાંથી ૩૧૮ દિવસ દરમિયાન દેશની મોસમ અસામાન્ય રહી હતી અને કોઇ રાજ્ય તેની અસરમાંથી બાકાત રહ્યું નથી.
દેશનાં આઠ રાજ્યોમાં અસામાન્ય હવામાનની ૧૦૦થી વધુ ઘટનાઓ ઘટી હતી. હિમાચલમાં સૌથી વધુ ૧૪૯ દિવસ એવી ઘટનાઓ બની હતી. મધ્યપ્રદેશ ૧૪૧ દિવસ અને કેરળ તેમજ યુપીમાં ૧૧૯-૧૧૯ દિવસ મોસમી ઘટનાઓએ પરેશાન કર્યા હતા. સૌથી વધુ ૨૦૮ દિવસ દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ, પૂરનો સામનો કરવો પડ્યો હતો. ૪૯ દિવસ હીટવેવનો કેર હતો. ૨૯ દિવસ શીતલહેર હતી. ૯ દિવસ વાદળ ફાટ્યાં હતાં અને બે દિવસ ચક્રવાત પણ હતો. જૂનથી સતત ૧૨૨ દિવસ એવા રહ્યા જ્યારે દર દિવસે મોસમી તાંડવ રહ્યું હતું.