- ભારત યોગ્ય ટ્રેક પર આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં તે દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે.
મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ એક મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં આરબીઆઇનો રેપો રેટ ૬.૫૦ ટકા પર રહેશે. અગાઉ આરબીઆઇએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા. રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરી ૨૦૨૩માં જોવા મળ્યો હતો. તે સમયે આરબીઆઇએ ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. આરબીઆઇએ મે ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી વ્યાજ દરોમાં ૨.૫૦ ટકાનો વધારો કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, આરબીઆઇ આ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. શક્ય છે કે, સેન્ટ્રલ એમપીસી આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ની મૌદ્રિક નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત કરાઈ છે. ગવર્નર શક્તિકાંત દાસે ૮ ઓગસ્ટથી શરૂ થયેલી ૬ સભ્યોની એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપતા જણાવ્યું કે આ વખતે પણ રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી એટલે કે યથાવત રાખવામાં આવ્યો છે. જેનો અર્થ એ થયો કે રેપો રેટ ૬.૫ ટકા જ રહેશે અને હોમ લોન કે ઓટો લોનવાળા પર ઈએમઆઈનો બોજ વધશે નહીં.
ગવર્નર શક્તિકાંત દાસે રેપોરેટમાં કોઈ ફેરફાર ન કર્યા હોવાની જાહેરાત કરી તેની સાથે સાથે એવો દાવો પણ કર્યો કે ભારત યોગ્ય ટ્રેક પર આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં તે દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે. તેમણે કહ્યું કે આપણે દુનિયાની ૫મી સૌથી મોટી ઈકોનોમી છીએ અને આપણી ઈકોનોમીમાં સતત ગ્રોથ ચાલુ છે. ભારત માટે હાલ ગ્લોબલ ઈકોનોમીમાં થઈ રહેલા ફેરફારનો ફાયદો ઉઠાવવા માટે સૌથી સારી સ્થિતિ છે. વૈશ્ર્વિક વિકાસમાં ભારતીય અર્થવ્યવસ્થા લગભગ ૧૫ ટકા યોગદાન આપે છે.
દેશમાં મોંઘવારીના ઊચ્ચ સ્તરે પહોંચ્યા બાદ તેને નિર્ધારિત દાયરામાં પાછી લાવવા માટે રિઝર્વ બેંકે મે ૨૦૨૨ બાદથી સતત નવ વખત રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. આ સમયગાળામાં આ દર ૨૫૦ બેસિસ પોઈન્ટ વધારવામાં આવ્યો હતો. જો કે મોંઘવારી પર કંટ્રોલ સાથે જ કેન્દ્રીય બેંકે તેમાં વધારા પર બ્રેક લગાવી દીધો અને ફેબ્રુઆરી ૨૦૨૩ બાદથી તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. એક્સપર્ટ્સ પણ એવી આશા રાખી રહ્યા હતા કે આરબીઆઇ રેપો રેટને સ્થિર રાખી શકે છે. આ અગાઉ એપ્રિલ અને જૂનમાં થયેલી બેઠકમાં પણ આ દરને સ્થિર રાખવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે રેપો રેટને સ્થિર રાખવાની સાથે જ આરબીઆઈએ એમએસએફ, બેંક રેટ ૬.૭૫ ટકા, જ્યારે એસડીએફ રેટને ૬,૨૫ ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
હકીક્તમાં દેશમાં મોંઘવારી આરબીઆઇ માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઘણા પોલ્સ અને અંદાજો અનુસાર જુલાઇ મહિનામાં છૂટક ફુગાવો ૬.૫ ટકાથી ૬.૭૦ ટકાની વચ્ચે રહી શકે છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ૪.૨૫ ટકા હતો અને જૂન મહિનામાં તે વધીને ૪.૮૦ ટકા થયો હતો, જે આ વર્ષની સૌથી ઊંચી હોવાનું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર એ છે કે, આગામી મહિનાઓ માટે આરબીઆઇ દ્વારા કયા પ્રકારના અંદાજિત ફુગાવાના આંકડા રજૂ કરવામાં આવશે. કારણ કે રિઝર્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા અગાઉના આંકડા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.
જૂન મહિનામાં ઓછા વરસાદને કારણે અને તે પછી દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ અને અન્ય ભાગોમાં ખૂબ ઓછા વરસાદને કારણે દેશમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને ટામેટાંના ભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર સૌથી વધુ ફટકો પડ્યો છે. આ જ કારણ છે કે જુલાઈમાં છૂટક મોંઘવારી ખૂબ ઊંચી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. દેશમાં ટામેટાના ભાવ ૩૦૦ રૂપિયા અને આદુના ભાવ ૪૦૦ રૂપિયાથી વધુ જોવા મળી રહ્યા છે. જેના ભાવ ઓક્ટોબર સુધી સમાન રહેવાની ધારણા છે. નિષ્ણાતોનું માનીએ તો અસમાન વરસાદની અસર અન્ય શાકભાજીના ભાવમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.