જે ઘડીની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી એ ગઇકાલે પૂર્ણ થઈ, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર મંદિર બન્યું અને ત્યાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. હવે ભગવાન શ્રી રામના દર્શન કરવા લોકો અયોધ્યાધામમાં ઉમટવા લાગ્યા છે અને મંદિર બહાર ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે.
આ ઐતિહાસિક ક્ષણનો આખો દેશ સાક્ષી બન્યો હતો. એક તરફ પ્રાણ પ્રતિષ્ઠા પછી આખા દેશમાં દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નિવેદન બાદ બિહારમાં રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામલલાનું મંદિર તો બની ગયું હવે કાશી અને મથુરા બાકી છે.
સિમરિયા ધામમાં ગંગા નદીના કિનારે કાર્યક્રમમાં ભાગ લીધો એ સમયે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પ્રાણ પ્રતિષ્ઠા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આ વિશે વાત કરતાં એમને કહ્યું કે, ‘ નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ છે જેમણે પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે. આજે નરેન્દ્ર મોદી તેમના સંકલ્પને લઈને 11 દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા સ્થાપનામાં વ્યસ્ત હતા. વિરોધીઓ દ્વારા વાંધાજનક વાતો કરવામાં આવી હતી પરંતુ ભારતનું સનાતન હવે જાગી ગયું છે.
તેમણે આગળ કહ્યું કે આજે હું જ્યાં પણ ગયો ત્યાં મેં યુવાનોને ભગવાન શ્રી રામની ભક્તિમાં જોયા. રામ મંદિર 1947માં જ બનવું જોઈતું હતું, પરંતુ તે સમયે દેશ પર શાસન કરનારાઓ મસ્જિદ બનાવવા માંગતા હતા, પરંતુ સનાતનીઓના વિરોધને કારણે તેમની ઈચ્છા પૂરી થઈ શકી નહીં. અત્યારે અયોધ્યામાં રામલલાનું મંદિર તો બની ગયું હવે કાશી અને મથુરા બાકી છે.
જણાવી દઈએ કે એક તરફ અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ થયો, તો બીજી તરફ બેગુસરાયમાં પણ સિમરિયા ગંગા ઘાટ પર એક લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા અને ગંગા આરતી પણ કરવામાં આવી હતી, જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો અને જય શ્રી રામના નારા લગાવીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.