ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર વર્લ્ડકપ 2023ની મેચમાંથી બહાર થઈ ચૂક્યા છે. ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 22 ઓક્ટોબરે ભારતને પાંચમી મેચ રમવાની છે. જે ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને કડક ટક્કર મળી શકે છે. એવામાં પાંડ્યાનું ના રમવું રોહિત શર્માની પ્લેઈંગ 11માં મોટી મુસીબત ઉભી કરી શકે છે.
19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન હાર્દિકને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેના કારણે તેઓ મેદાનમાંથી બહાર જવાની ફરજ પડી હતી. ત્યારબાદ સ્કેન માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તે ભારતીય ઇનિંગ્સ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો. હવે નવીનતમ અપડેટ મુજબ પાંડ્યા ધર્મશાળા નહીં જાય અને તેના બદલે તબીબી સહાય માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે. તે 20 ઓક્ટોબરે ટીમ સાથે ધર્મશાલા જશે નહીં અને હવે તે સીધા લખનૌમાં ટીમ સાથે જોડાશે જ્યાં ભારત ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમાવાની છે.
આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તેણે બોલિંગમાં કુલ 5 વિકેટ લીધી છે. આ સાથે જ તેને ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 11 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ બોલિંગ કરી હતી
19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન હાર્દિક પાંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તે પોતાની પ્રથમ ઓવર પણ પૂરી કરી શક્યા નહોતા. બાદમાં વિરાટ કોહલીએ તેની જગ્યાએ 3 બોલ નાખ્યા વિરાટ લગભગ 6 વર્ષ પછી ODI ક્રિકેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
બાંગ્લાદેશને કારમી હાર આપ્યા બાદ હાર્દિકની સ્થિતિ પર કેપ્ટન રોહિત શર્માએ વાત કરી હતી. હિટમેને મેચ બાદ જણાવ્યું હતું કે, હાર્દિકને થોડી તકલીફ થઈ છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ હવે કિવી ટીમ વિરુદ્ધ રમાનાર મેચમાંથી ઓલરાઉન્ડર પાંડ્યા લગભગ બહાર થઈ ચૂક્યા છે.
ટીમ ઈન્ડિયાએ પુણેમાં વર્લ્ડકપ મેચમાં બાગ્લાદેશને પણ 51 બોલ બાકી રાખીને 7 વિકેટથી હરાવીને વનડે વર્લ્ડકપમાં પોતાનો વિજય અભિયાન ચાલું રાખ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાની આ વર્લ્ડકપમાં સતત ચોથી જીત છે. રોહિત શર્મા એન્ડ કંપનીએ 51 બોલ બાકી રાખીને સાત વિકેટથી વિજય પતાકા લહેરાવી દીધો હતો. આ મેચમાં રોહિત શર્મા અને શુભમન ગિલ બાદ વિરાટ કોહલીએ 97 બોલ પર 103 રનની અણનમ ઈનિંગ રમી હતી. કિંગ કોહલીને કેએલ રાહુલ (અણનમ 34)નો સાથ મળ્યો અને ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પુરો કરી લીધો.