નવીદિલ્હી,કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશમાં નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ) લાગુ કરવામાં આવ્યો છે. જોકે જ્યારથી આ કાયદો લાગુ થયો ત્યારથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે. આ કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ શરણાર્થીઓએ ગુરુવારે કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે હવે દિલ્હીના મુખ્યમંત્રી ગુસ્સે થયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, આ પાકિસ્તાનીઓની હિંમત? સૌ પ્રથમ તેઓએ આપણા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી, આપણા દેશના કાયદા તોડ્યા, તેમને જેલમાં જવું જોઈતું હતું, શું તેમનામાં એટલી હિંમત છે કે તેઓ વિરોધ કરી રહ્યા છે અને આપણા દેશમાં હંગામો મચાવી રહ્યા છે? સીએએ આવ્યા બાદ પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ દેશભરમાં ફેલાઈ જશે અને લોકોને પરેશાન કરશે. તેમને પોતાની વોટબેંક બનાવવાના સ્વાર્થમાં ભાજપ આખા દેશને મુશ્કેલીમાં ધકેલી રહી છે.
મહત્વનું છે એ, દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે વિરોધની સાથે સાથે પડોશી દેશોમાંથી આવેલા આ શરણાર્થીઓ આજે કોંગ્રેસ મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસ પણ સીએએનો વિરોધ કરી રહી છે.
વાત જાણે એમ છે કે, સરકારે ઝ્રછછ લાગુ કર્યા પછી કેજરીવાલે આ કાયદા પર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ’આ કાયદો લાગુ થયા પછી ૧૯૪૭ કરતા વધુ સ્થળાંતર થશે. તેમણે કહ્યું હતું કે, આ કાયદાના અમલથી પાકિસ્તાનના લોકો ભારત આવશે, કેટલા સુરક્ષિત રહેશે. ચોરી, બળાત્કાર, લૂંટ અને રમખાણો વધશે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો તમારા ઘરની નજીક આવીને ઝૂંપડપટ્ટી બાંધે તો તમને તે ગમશે?
અરવિંદ કેજરીવાલ દ્વારા સીએએ અંગે વારંવાર પ્રશ્ર્નો ઉઠાવવા પર ગૃહ પ્રધાન અમિત શાહે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દિલ્હીના સીએમ તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા પછી તેમનો પિત્તો ગુમાવી બેઠા છે. શાહે વધુમાં કહ્યું હતું કે, કેજરીવાલને કદાચ ખબર નથી કે આ બધા લોકો ભારત આવ્યા છે, ભારતમાં રહી રહ્યા છે, તેમને અધિકારો જ મળ્યા નથી. તેમને તે અધિકાર આપવો પડશે. શાહે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં ૨૦૧૪ સુધી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિક્તા આપવી પડશે. જો કેજરીવાલને આટલી જ ચિંતા છે તો તે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા? રોહિંગ્યાઓ મુસ્લિમોનો વિરોધ કેમ નથી કરતા? તેઓ આમ કરતા નથી કારણ કે તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે.