
ચંડીગઢ,
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે અરુણાચલ પ્રદેશમાં એલએસી પર ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પર ટ્વિટ કર્યું છે. ચીનને સલાહ આપવાની સાથે ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. મંત્રીએ લખ્યું છે કે ચીનીઓએ સમજી લેવું જોઈએ કે, આ ૧૯૬૨ના નબળા દિલના પીએમ જવાહરલાલ નેહરુનું ભારત નથી. આ પહેલા પણ ગૃહમંત્રી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે. પરંતુ પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુને નબળા દિલના કહ્યા બાદ ઘણા લોકો આ નિવેદનનો વિરોધ પણ કરી રહ્યા છે.
ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે, આ ૨૦૨૨ શેર દિલ પીએમ નરેન્દ્ર મોદીનું ભારત છે. અહીં તમને જણાવી દઈએ કે શુક્રવારે, અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા છે. આ ઘટના તવાંગ સેક્ટરના યાંગસ્ટે ખાતે બની હતી. ભારતના સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ ઘટના ૯ ડિસેમ્બર, ૨૦૨૨ની છે. એલએસી પાર કરવાનો પ્રયાસ કરનાર ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ પૂરી તાકાતથી જવાબ આપ્યો હતો.
જો કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના આ અથડામણના સમાચાર સાથે, રાજકારણ ઉગ્ર શરૂ થઈ ગયું છે. ભારતીય સેનાની બહાદુરીની કદર કરવા અને તેમનું મનોબળ વધારવાને બદલે કોંગ્રેસના નેતાઓથી લઈને ઓવૈસી સુધીના મોટાભાગના વિપક્ષી નેતાઓએ મોદી સરકાર પર તેમના પ્રહારો તેજ કર્યા છે.
હકીક્તમાં, મોદી એ ભૂલો કરવા માંગતા નથી જે દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુએ કરી હતી. મોદી માત્ર રાજકારણ અને વ્યૂહરચના જ નહીં, તેઓ ઈતિહાસમાંથી પણ ઊંડે સુધી ઘણું શીખે છે. એવું પણ કહેવાય છે કે, જે લોકો ઈતિહાસમાંથી બોધપાઠ નથી લેતા તેઓ પોતાનું જ નુક્સાન કરે છે. ’ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’ અને ’ગ્લિમ્પ્સ ઑફ વર્લ્ડ હિસ્ટ્રી’ જેવાં પુસ્તકો લખીને ઈતિહાસકારોની હરોળમાં પોતાનો સમાવેશ કરનારા નેહરુને ન તો ચીનના કિસ્સામાં ઈતિહાસ પર વિશ્ર્વાસ હતો કે ન તો ઈતિહાસના ચુસ્ત નિરીક્ષક સરદાર પટેલની ચેતવણીઓ પર, કે જેઓ માત્ર ઈતિહાસ વાંચતા નથી, ઈતિહાસ રચવામાં પણ માનતા હતા.