આ વર્ષે દેશના ઘઉંના ભંડારમાં તીવ્ર ઘટાડો થયો છે. સ્ટોક ઘટીને ૯૭ લાખ ટન થયો

નવીદિલ્હી, આ વર્ષે દેશના ઘઉંના ભંડારમાં તીવ્ર ઘટાડો થયો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે રાખવામાં આવેલ ઘઉંનો સ્ટોક ઘટીને ૯૭ લાખ ટન થઈ ગયો છે. ૨૦૧૮ પછી પ્રથમ વખત અનામત ૧૦૦ લાખ ટનની નીચે પહોંચી ગયું છે.

છેલ્લા બે વર્ષથી મર્યાદિત સરકારી ખરીદીને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચોખાનો ભંડાર ભરાઈ ગયો છે.એફસીઆઇ પાસે ચોખાની બફર મર્યાદા કરતાં બમણી છે. છેલ્લા કેટલાક મહિનામાં સરકારે ભાવને નિયંત્રણમાં રાખવા માટે ઘઉંના સ્ટોકમાંથી ખુલ્લા બજારમાં વેચાણ કર્યું હતું. આનાથી અનામતમાં વધુ ઘટાડો થયો. ૯૭ લાખ ટનનો વર્તમાન ઘઉંનો સ્ટોક જરૂરી મર્યાદા કરતા ઘણો વધારે છે. નિયમો અનુસાર ૧લી એપ્રિલે સરકારના સ્ટોકમાં ૭૪.૬ લાખ ટન ઘઉં હોવા જોઈએ.

પહેલી માર્ચથી ઘઉંની ખરીદીની સિઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે સરકારી ખરીદી પાછલા બે વર્ષ કરતાં વધુ હોઈ શકે છે. સરકારનો અંદાજ છે કે આ વર્ષે ઘઉંની ખરીદી ૩૨ મિલિયન ટન સુધી પહોંચી શકે છે. બીજા આગોતરા અંદાજ મુજબ આ સિઝનમાં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ ૧૧૨ મિલિયન ટન થઈ શકે છે. એક વર્ષમાં સરકારે ઘઉંના ભાવને અંકુશમાં રાખવા માટે ઘણી વખત ૯૦ લાખ ટન ઘઉં બજારમાં ઠાલવ્યા હતા.