આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૨૫ ડિસેમ્બર સુધીમાં ભારતમાં ૨૦૪ વાઘ માર્યા ગયા હતા.

વિશ્વમાં ભારત સહિત નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, રશિયા, ચીન, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ અને વિયેતનામ એમ 13 દેશમાં વાઘ જોવા મળે છે. આ પૈકી દુનિયાના 80 ટકા વાઘ એકલા ભારતમાં જોવા મળે છે. જોકે હાલ ભારતમાં પણ વાઘ અભયારણ્ય ધીમ ધીમે વાઘ વગરના થઇ રહ્યા છે. નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન સોસાયટી ઓફ ઈન્ડિયા (WPSI)ના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરાયો છે.  આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 25 ડિસેમ્બર સુધી ભારતમાં 204 વાઘ માર્યા ગયા હતા. 

આ રિપોર્ટમાં જણાવાયું છે કે, છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ 52 વાઘના મોત મહારાષ્ટ્રમાં થયા છે, જે સૌથી મોટો આંકડો છે. ત્યારપછી બીજા ક્રમે મધ્ય પ્રદેશ છે, જ્યાં 45 વાઘના મોત થયા છે. દેશમાં સૌથી વધુ વાઘ પણ મધ્ય પ્રદેશમાં જ જોવા મળે છે. વાઘના મૃત્યુની બાબતમાં ત્રીજા ક્રમે ઉત્તરાખંડ છે, જ્યાં 26 વાઘ મર્યા છે. તમિલનાડુ અને કેરળમાં પણ 15-15 વાઘના મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશ પછી દેશમાં સૌથી વધુ વાઘ કર્ણાટકમાં  છે અને ત્યાં પણ 13 વાઘના મોત થયા છે. આસમ અને રાજસ્થાનમાં પણ 10-10 વાઘના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં સાત, બિહાર અને છત્તી સગઢમાં 3-3, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં 2-2 અને તેલંગાણામાં એક વાઘનું મોત થયું છે. 

આ દરેક વાઘ શિકારના કારણે જ નથી મર્યા પરંતુ વાઘના મોત પાછળ અલગ-અલગ કારણો છે. તે પૈકી કુદરતી કારણસર મૃત્યુ પામનારા વાઘની સંખ્યા 79 છે, તો શિકારના કારણે 55 વાઘ મૃત્યુ પામ્યા છે. પરસ્પર સંઘર્ષ એટલે કે ઈનફાઈટમાં 46 અને બચાવ કે સારવાર વખતે 14 વાઘ મૃત્યુ પામ્યા છે. ટ્રે્ન અકસ્માતમાં પણ સાત વાઘ મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત વનવિભાગની ગોળીથી કે ગ્રામજનોના કારણે એક વાઘ મૃત્યુ પામ્યો છે. 

નવમી એપ્રિલ, 2023 ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટિમેટ (2022)  મુજબ, ભારતમાં 2018થી 2022 વચ્ચે 200 વાઘ વધવાનો અંદાજ હતો. આ રિપોર્ટ પ્રમાણે દેશમાં 2018માં વાઘની સંખ્યા 2,967 હતી, જે 2022માં વધીને  3,167 થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટકના મૈસૂરમાં ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષની ઉજવણીમાં એક કાર્યક્રમમાં આ અહેવાલ રજૂ કરાયો હતો. આ પ્રસંગે તેમણે આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ એલાયન્સની પણ શરૂઆત કરી હતી.