16 વર્ષથી વધુ ઉંમરની મુસ્લિમ છોકરી મનગમતા યુવાન સાથે લગ્ન કરી શકે- હાઈકોર્ટ

  • પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટનું અવલોકન
  • 16 વર્ષની મુસ્લિમ છોકરીને પોતાનો જીવનસાથી પસંદગીનો હક
  • 16 વર્ષની છોકરી પોતાની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે
  • મુસ્લિમ કપલે પરિવાર સામે માગી સુરક્ષા
  • 21 વર્ષના યુવાન અને 16 વર્ષની છોકરીના લગ્નનો કિસ્સો

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મુસ્લિમ સમુદાયની 16 વર્ષની છોકરીના લગ્નને લઈને એક મહત્વનું અવલોકન કર્યું છે. 21 વર્ષના યુવાન અને 16 વર્ષની છોકરીએ હાઈકોર્ટમાં અરજી કરીને પોતાના પરિવારના સભ્યો સામે રક્ષણ માગ્યું હતું. આ કેસ હાઈકોર્ટમાં આજે સુનાવણી પર આવતા જસ્ટિસ જસજિત સિંહ બેદીની ખંડપીઠે આવો ચુકાદો જાહેર કર્યો છે.

મુસ્લિમ છોકરા અને છોકરીએ લગ્ન કર્યા, હાઈકોર્ટ પાસે માગી સુરક્ષા
અરજદારે કપલે હાઈકોર્ટમાં એવી અરજી કરી હતી કે થોડા સમય પહેલા તેઓ પ્રેમમાં પડ્યાં હતા અને ત્યાર બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. 8 જુન 2022ના રોજ તેઓ મુસ્લિમ રીત રિવાજો પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા પરંતુ ત્યાર બાદ તેમનો પરિવાર તેમને ધમકી આપવા લાગ્યો હતો આથી કપલને જીવનું જોખમ લાગ્યું હતું અને તેથી તેમણે હાઈકોર્ટમાં અરજી કરીને સુરક્ષા માગી હતી.

16 વર્ષથી વધુ ઉંમરની છોકરી મનગમતા છોકરા સાથે લગ્ન કરવા સ્વતંત્ર
જસ્ટિસ બેદીએ કહ્યું, “કાયદો સ્પષ્ટ છે કે મુસ્લિમ છોકરીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો દ્વારા સંચાલિત થાય છે. સર દિનશાહ ફરદુનજી મુલ્લાના પુસ્તક ‘પ્રિન્સિપલ્સ ઓફ મોહમ્મદન લો’ના આર્ટિકલ 195 મુજબ, અરજદાર નંબર 2 (યુવતી) 16 વર્ષથી વધુ ઉંમર ધરાવતી હોવાથી તે તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્નનો કરાર કરવા માટે સક્ષમ છે. અરજદાર નં.1 (છોકરો)ની ઉંમર 21 વર્ષથી વધુ હોવાનું જણાવાયું છે. આમ, બંને અરજદારો મુસ્લિમ પર્સનલ લો દ્વારા કલ્પના કરવામાં આવ્યા મુજબ લગ્નની ઉંમરના છે.

મુસ્લિમ કપલે હાઈકોર્ટમાં કરી રજૂઆત
અરજદાર દંપતીએ તેમના વકીલ દ્વારા દલીલ કરી હતી કે મુસ્લિમ કાયદામાં તરુણાવસ્થા અને બહુમતી એક જ હોય છે, અને એવી ધારણા છે કે વ્યક્તિ 15 વર્ષની ઉંમરે બહુમતી પ્રાપ્ત કરે છે. તેઓએ વધુમાં એવી દલીલ કરી હતી કે તરુણાવસ્થા પ્રાપ્ત કરી ચૂકેલો મુસ્લિમ છોકરો કે મુસ્લિમ છોકરી તેને ગમે તેની સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે અને વાલીને દખલ કરવાનો કોઈ અધિકાર નથી. વળી, પોતાના જીવને જોખમ હોવાની આશંકાએ આ દંપતીએ પઠાણકોટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી)ને રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.