વડોદરા,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)ને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના વડોદરામાંથી આરોપીની ધરપકડ કરી છે. આદીલ,વસીમ અને આર્શીલ નામના આરોપી ઝડપાયા છે. તેઓને મુંબઈ લઇ જવામાં આવ્યા છે. હજુ તેની પૂછપરછ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે આરોપીએ આરબીઆઇ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. મેલમાં લખવામાં આવ્યું હતું કે મુંબઈમાં ૧૧ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે તેની પકડ વધુ કડક કરી છે. આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
મુંબઈ પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની વડોદરાથી ધરપકડ કરી છે. આરોપીએ મંગળવારે આરબીઆઇને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ દારૂના નશામાં ન હતો પરંતુ તેણે આ ઈમેલ શા માટે મોકલ્યો તેની માહિતી ક્રાઈમ બ્રાન્ચ એકત્ર કરી રહી છે.
આરબીઆઇ ઓફિસને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણી જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે આરબીઆઇ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની ઈમેલ દ્વારા માગ કરવામાં આવી હતી. મુંબઈમાં કુલ ૧૧ જગ્યાએ બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મુજબ આજે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થવાનો હતો. જોકે આવું કંઈ થયું નથી.પોલીસે દરેક જગ્યાએ જઈને તપાસ કરી પરંતુ ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ સંદર્ભમાં, એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.