અમદાવાદના બોપલમાં દારૂ અને નશામાં ફાયરિંગ, પોલીસને જોઈ બે લોકો પાંચમા માળથી કૂદ્યા

  • ઘટના સ્થળેથી પોલીસે ૨૪ જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી

અમદાવાદ, અમદાવાદના બોપલ વિસ્તારમાં દારૂ અને નશામાં ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી બીયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભેગા થયેલા લોકો દારૂની મેહફિલ માણવા માટે ભેગા થયા હતા. જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે જે લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્યના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મેઘા તેવારે માહિતી આપતા જણાવ્યું કે, ફાયરીંગ અગાઉ છ આરોપીઓએ એક ખાનગી કોમ્પલેક્ષની ઓફિસમાં દારૂની મહેફિલ માણી હતી. કોમ્પલેક્સના પાંચમા માળે આવેલ ઓફિસમાં દારૂની મેહફિલ માણી હતી. આ દરમ્યાન ફાયરીંગ થતાં એક બાતમીદારે પોલીસને માહિતી આપી હતી. જેના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ પહોંચતાં બે લોકોએ ૫ માળથી ચોથા માળે પડતુ મુક્યું હતું. જેમાં બંનેને ઈજા પહોંચી છે. બંનેના નામ ૠતુરાજ અને કેદાર હોવાનું સામે આવ્યું છે.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે, ૨૪ જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે. દારુના નશામાં મહાવીર જાડેજાએ સ્ટાટર અને પિસ્ટલથી ફાયરિંગ કર્યુ હતું. જગ્યા પરથી ૭ ખાલી અને એક જીવતો કારતૂસ મળ્યો છે. મહાવીર જાડેજાએ કચ્છ ના ધમભાઈ પાસેથી પિસ્ટલ મેળવી હતી. એક યુએસ મેડ ની પિસ્ટલ અને એક જીવતો કારતૂસ મળ્યો છે. આરોપીએ દારૂ કે પિસ્ટલના લાયસન્સ અંગે કોઇ પેપર રજુ કરેલ નથી માટે કાયદેસરની કાર્યવાહી કરાશે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ૠતુરાજે જમીનની લે વેચ માટેના કામ માટે ઓફિસ ભાડે રાખી હતી. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે. હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.